ઉદ્યોગોને પરેશાન કરનારાઓ અને ત્રાસ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરો: ફડણવીસનો પોલીસને નિર્દેશ
![Assembly Election: Fadnavis attacks Congress, Kharge and Owaisi, know what he said?](/wp-content/uploads/2024/08/Devendra-fadnavis-1.webp)
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે પોલીસને એવો નિર્દેશ આપ્યો હતો કે ઉદ્યોગોને હેરાન-પરેશાન કરે છે અને બ્લેકમેલ કરીને ત્રાસ આપે છે એવા લોકો ક્યા પક્ષ સાથે સંકળાયેલા છે તેને ધ્યાનમાં લીધા વગર તેમની સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) લાગુ કરવા જેવા કડક પગલાં લેવામાં આવે.
રાજ્યના વૈશ્ર્વિક ઉદ્યોગો સાથેના સંબંધો અને રાજ્યમાં રોકાણના પ્રવાહને ધ્યાનમાં રાખીને, ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું જરૂરી છે, એમ તેમણે જણાવ્યું હતું.
પુણે નજીક નવા પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટના શિલાન્યાસ સમારોહમાં બોલતા, ફડણવીસે એમ પણ નોંધ્યું હતું કે રાજ્યભરમાં તમામ રાજકીય પક્ષો દ્વારા ગેરકાયદેસર રીતે હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે, અને કાયદાનો અમલ કરતી એજન્સીઓને આવા હોર્ડિંગ્સ પર કડક કાર્યવાહી કરવા કહ્યું, ભલે તેમાં તેમના પોતાના ચિત્રો હોય.
તેમણે કહ્યું કે પુણેની આસપાસના ઉદ્યોગો હેરાનગતિનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
‘અમને ઉદ્યોગો તરફથી સમયાંતરે હેરાનગતિ, બ્લેકમેલ અને ખંડણીની ફરિયાદો મળે છે. આવા કૃત્યો કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. મુશ્કેલી ઉભી કરનારાઓ અમારા પક્ષના હોય, અજિત દાદા (અજિત પવાર)ના પક્ષના હોય કે (એકનાથ) શિંદે સાહેબના પક્ષના હોય…તેથી કોઈ ફરક પડતો નથી,’ એમ તેમણે કહ્યું હતું.
‘જો કોઈ ઉદ્યોગોને મુશ્કેલીમાં મૂકી રહ્યું હોય, તો મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (એમસીઓસીએ) જેવી કડક કાર્યવાહી કરો. કંઈપણ ઓછું કરીને સમાધાન ન કરો,’ એમ ગૃહ વિભાગ સંભાળતા ફડણવીસે પુણે, પિંપરી-ચિંચવડ અને પુણે ગ્રામિણના પોલીસ વડાઓને નિર્દેશ આપ્યો હતો.
પુણે રાજ્યનું ઉત્પાદન અને ટેકનોલોજી રાજધાની છે, એમ ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો : એનસીપી (એસપી)ના એકનાથ ખડસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
‘જેમ જેમ આપણે વૈશ્ર્વિક સમુદાય સાથે સંકળાયેલા છીએ, તેમ તેમ રાજ્યમાં નોંધપાત્ર રોકાણો આવી રહ્યા છે. આવા નિર્ણાયક સમયે, અનુકૂળ વાતાવરણ સુનિશ્ર્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મને વિશ્ર્વાસ છે કે તમે તેને જાળવી રાખશો,’ એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે અજિત પવાર સાથે મળીને પિંપરી-ચિંચવડમાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. અત્યાધુનિક ફાયર સ્ટેશનનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો.
‘કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ જેવી પરિસ્થિતિને રોકવા માટે, જ્યાં અપૂરતી અગ્નિશામક પ્રણાલીઓ ખુલ્લી પડી ગઈ હતી, આપણને સુસજ્જ ફાયર સ્ટેશનની જરૂર છે,’ એમ તેમણે કહ્યું હતું.
પોતાના ભાષણમાં પવારે વાહનોને નુકસાન પહોંચાડતા ગુંડાઓ જેવા શેરી ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા પોલીસને તાકીદ કરી હતી.