આસારામ પરની ડોક્યુમેન્ટરીને લઈને ડિસ્કવરીના સ્ટાફને ધમકીઓ; SCએ કર્યો સુરક્ષા આપવાનો આદેશ
![SC orders protection for Discovery staff after threats over documentary of Asaram Bapu](/wp-content/uploads/2025/02/SC-orders-protection-for-Discovery-staff-after-threats-over-documentary-of-Asaram-Bapu.webp)
નવી દિલ્હી: સગીરા પર બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ પરની ડોક્યુમેન્ટરીને (Asaram Documentary) કારણે ધમકીઓ અને જોખમોનો સામનો કરી રહેલા ડિસ્કવરી ચેનલ (Discovery Of India)ના અધિકારીઓ અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ડિસ્કવરી કોમ્યુનિકેશન ઈન્ડિયા અને તેના અધિકારીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.
આ પણ વાંચો: જેલમાંથી સારવારના બહાને બહાર આવેલા આસારામે કરી આવી હરકત, પોલીસ બની મુકપ્રેક્ષક
Cult of Fear- Asaram Bapu
પ્રાપ્ત વિગતો અનુસાર સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ ઇન્ડિયાના અધિકારીઓને વચગાળાનું રક્ષણ આપવાનો આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે “Cult of Fear- Asaram Bapu” નામની ડોક્યુમેન્ટરી રિલીઝ થયા બાદ કથિત રીતે ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ પીવી સંજય કુમાર અને કેવી વિશ્વનાથનની બેન્ચે ઓછામાં ઓછા સાત રાજ્યોના પોલીસ અધિકારીઓને પ્રસારણ ચેનલના અધિકારીઓ અને સંપત્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે.
આસારામના જીવન પર પાડે છે પ્રકાશ
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ડિસ્કવરી પ્લસ OTT પ્લેટફોર્મ પર “કલ્ટ ઓફ ફિયર- આસારામ બાપુ” શો રિલીઝ થયા બાદ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમકીઓ મળી રહી છે. જો કે આ સીરિઝ સંપૂર્ણપણે જાહેર રેકોર્ડ, કોર્ટ રેકોર્ડ અને સાક્ષીઓના નિવેદનો પર આધારિત છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ સીરિઝ આસારામ બાપુના જીવન પર પ્રકાશ પાડે છે, જે એક સ્વ-ઘોષિત આધ્યાત્મિક નેતા છે અને હાલમાં 2018 થી બળાત્કાર અને હત્યા સહિતના ગુનાઓ માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.
સાત રાજ્યોમાં સુરક્ષાની માંગ
આજે થયેલી સુનાવણીમાં વકીલે દલીલ કરી હતી કે સીરિઝ રિલીઝ થયા બાદ સતત મળી રહેલી ધમકીઓને પગલે તેમને બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આ મામલે પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. અરજીમાં કેન્દ્ર સરકારની સાથે કર્ણાટક, મહારાષ્ટ્ર, બંગાળ, દિલ્હી, હરિયાણા, તેલંગાણા અને તેમના પોલીસ અધિકારીઓને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.