Good News: મ્હાડા 5 વર્ષમાં બાંધશે 8 લાખ ઘર
![MHADA Unsold House](/wp-content/uploads/2023/11/Yogesh-2023-11-21T173528.426.jpg)
મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તાજેતરમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) આગામી પાંચ વર્ષમાં આખા રાજ્યમાં આઠ લાખ ઘરો બાંધશે, જેથી જરુરિયાતમંદ લોકોને ઘરની છત્રછાયા મળશે.
એકનાથ શિંદેએ કરી મહત્ત્વની જાહેરાત
મહારાષ્ટ્રના ગૃહનિર્માણ અને નગરવિકાસ ખાતાના પ્રધાન એકનાથ શિંદેએ કોંકણ વિભાગના ૨,૧૪૭ ઘર અને ૧૧૭ પ્લોટ માટેની લોટરી વખતે આ જાહેરાત કરી હતી. મ્હાડામાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે, કેમ કે તેનો કારભાર પારદર્શક લોટરી સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અત્યારની લોટરીમાં ૨૧૪૭ ઘર માટે ૩૧,૦૦૦ લોકોએ અરજી કરી હતી. શિંદેએ ભારપૂર્વક ક્લસ્ટર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની આવશ્યકતા વ્યક્ત કરી હીત અને કહ્યું હતું કે વર્તમાન નગર વિસ્તારોમાં સુઆયોજિત શહેરો તૈયાર કરવા માટે આ આવશ્યક છે.
નવમીના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે
નવમી ફેબ્રુઆરીએ થાણેમાં કેટલાક ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવશે એમ તેમણે કહ્યું હતું. મ્હાડાના ઘરની બાંધકામની ગુણવત્તા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી સુધરી છે, એમ પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેની આંખોની શસ્ત્રક્રિયા
મિલના કામદારો અને ડબ્બાવાળાને સમાવિષ્ટ કરાશે
રાજ્ય સરકારની નવી ગૃહનિર્માણ પોલીસમાં કાપડ મિલોના કામગારો અને મુંબઈના પ્રખ્યાત ડબ્બાવાળાઓને સમાવિષ્ટ કરવામાં આવશે અને પરવડી શકે તેવા ઘરો બાંધવાની વ્યવસ્થા કરવામાં આવશે એમ પણ તેમણે કહ્યું હતું. નવી સરકારના એજન્ડામાં સૌને માટે પરવડી શકે તેવા ઘરોનું નિર્માણ કરવાનો મુદ્દો અગ્રક્રમે છે.