નેશનલ

AAP નેતા રાઘવ ચઢ્ઢાને દિલ્હી હાઈકોર્ટથી મોટી રાહત

અત્યારે ટાઈપ 7 બંગલામાં જ રહેશે

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને હાઇકોર્ટ તરફથી રાહત મળી ગઇ છે. રાઘવ ચઢ્ઢાએ હાલ બંગલો ખાલી નહિ કરવો પડે. દિલ્હી હાઇકોર્ટે નીચલી અદાલતના સરકારી બંગલાને ખાલી કરવાના આદેશ પર રોક લગાવી છે. હાઇકોર્ટનો અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી આ રોક યથાવત રહેશે. રાઘવ ચઢ્ઢાએ નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન AAP નેતા રાઘવ ચઢ્ઢાએ તેમની સુરક્ષા અને આતંકી ધમકીઓ મળી રહી હોવાની વિગતો રજૂ કરી નીચલી કોર્ટના આદેશને રદ કરવાની માંગ કરી હતી.

દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાઘવ ચઢ્ઢાના વકીલે કહ્યું કે તેમને પંજાબમાંથી સતત ધમકીઓ મળી રહી છે. આ કારણોસર Z Plus સુરક્ષા પણ આપવામાં આવી છે. રાઘવના વકીલે કહ્યું કે તેમના અસીલને પંજાબમાં સુરક્ષા મળી છે, તેથી તેનો અર્થ એ નથી કે દિલ્હીમાં સુરક્ષા ઓછી કરવામાં આવે અને તેમની હત્યા કરવામાં આવે.
રાઘવ ચઢ્ઢાએ દલીલ કરી હતી કે તેમને આશંકા છે કે તેમના લગ્ન સમયે હેરાન કરવાના ઈરાદાથી આ બધું જાણી જોઈને કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે રાઘવ ચઢ્ઢાના બંગલાની ફાળવણીને રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી આપ નેતાએ પટિયાલા હાઉસ કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.


મૂળ ઘટના એ બની છે કે જ્યારે રાઘવ ચઢ્ઢા રાજ્યસભાના સભ્ય બન્યા હતા ત્યારે તેમને ટાઇપ-6 બંગલો ફાળવવામાં આવ્યો હતો. આ પછી તેણે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને ટાઈપ-7 બંગલો ફાળવવા વિનંતી કરી. આ પછી રાજ્યસભા સચિવાલયે તેમને ટાઈપ-7 બંગલો આપ્યો. જો કે, આ વર્ષે રાજ્યસભા સચિવાલયે રાઘવના ટાઈપ-7 બંગલાની ફાળવણી રદ કરી હતી. તમને જણાવી દઈએ કે ટાઇપ-7 બંગલો સામાન્ય રીતે પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલ અથવા પૂર્વ મુખ્યમંત્રી જેવા વરિષ્ઠ નેતાઓ માટે જ ઉપલબ્ધ હોય છે.


રાજ્યસભા સચિવાલયના જણાવ્યા અનુસાર રાઘવ ચડ્ઢા ટાઈપ-7 બંગલા માટની પાત્રતા ધરાવતા ન હતા આથી જ બંગલાની ફાળવણી રદ કરવાની નોટિસ આપવામાં આવી હતી. આ પછી પટિયાલા હાઉસ કોર્ટમાં પણ રાજ્યસભા સચિવાલયના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો. પટિયાલા હાઉસ કોર્ટના આંચકાનો સામનો કર્યા બાદ આમ આદમી પાર્ટીના નેતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button