વિધાન સભ્યોની ગેરલાયકાત મામલે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટમાં આજે સમલૈંગિક મેરેજ અંગેના ચૂકાદા બાદ મહારાષ્ટ્રમાં વિધાન સભ્યોને ગેરલાયક ઠેરવવા સામેની અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. શિવસેના બાદ હવે એનસીપીમાં પણ ભાગલા પડી ગયા છે. સીએમ એકનાથ શિંદેને સમર્થન આપતા વિધાન સભ્યોની ગેરલાયકાતના કેસની સુનાવણીમાં વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના વિલંબ પર સુપ્રીમ કોર્ટે ફરી એકવાર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમને આકરા શબ્દોમાં ફટકાર લગાવી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટે ફરી એકવાર વિધાનસભા અધ્યક્ષને 30 ઑક્ટોબર સુધીમાં સમયમર્યાદા નક્કી કરવાની તક આપી છે. કોર્ટે કહ્યું છે કે વિધાનસભા અધ્યક્ષે 30મીએ નવું શિડ્યુલ રજૂ કરવું પડશે. આ વખતે વિધાનસભાના અધ્યક્ષને છેલ્લી તક આપવામાં આવી રહી છે. આ દશેરા વેકેશન દરમિયાન વિધાનસભા અધ્યક્ષે સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે બેસીને નવું શિડ્યુલ બનાવવું જોઈએ. જો આગામી સુનાવણી સુધી આ શિડ્યુલ નહીં આવે તો કોર્ટ પોતે જ શેડ્યૂલ આપશે, એમ કોર્ટે સખત શબ્દોમાં જણાવ્યું હતું. હવે આ કેસની વધુ સુનાવણી 30 ઓક્ટોબરે થશે.
21 જૂન, 2022ના રોજ એકનાથ શિંદેએ બળવો પોકાર્યો હતો. ત્યાર બાદ પ્રથમ પાંચ દિવસમાં 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અરજી દાખલ કરવામાં આવી હતી. શિવસેનાના ઠાકરે જૂથે વિચાર્યું હતું કે તેના પછી કેટલાક વિધાન સભ્યો પાછા આવશે. પરંતુ વિધાન સભ્યો પરત ફર્યા ન હતા જેથી આ અરજીઓની સંખ્યા વધી હતી.