પરીક્ષા પે ચર્ચામાં પીએમ મોદી સાથે આ જાણીતી હસ્તીઓ પણ આપશે ટિપ્સ
બોર્ડ પરીક્ષાઓ પહેલા યોજાનાર ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ આ વખતે નવી શૈલીમાં યોજાશે. આ વખતે પરીક્ષા પે ચર્ચા (PPC) 2025 કાર્યક્રમ 10 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની સાથે સદગુરુ, દીપિકા પાદુકોણ, મેરી કોમ અને પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અવની લેખારા, સોનાલી સબરવાલ, વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર, યુટ્યુબર ટેક્નિકલ ગુરુજી, રાધિકા ગુપ્તા, ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર વગેરે જેવા સેલિબ્રિટીઝ પણ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા વિશે તથા તણાવ ઓછો કરવા અંગે ટિપ્સ આપશે. આ કાર્યક્રમમાં કુલ 2500 વિદ્યાર્થીઓ ભાગ લેશે અને શિક્ષણ મંત્રાલય તરફથી PPC કીટ મેળવશે.
આ કાર્યક્રમમાં દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય પર વાત કરશે તો અવની લેખારા જીવનમાં પડકારોનો સામનો કરવાના તેમના અનુભવો શેર કરશે. મેરી કોમ પણ સંઘર્ષથી સફળતાની તેમની વાતો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા આપશે જ્યારે આધ્યાત્મિક સદગુરુ તણાવ વ્યવસ્થાપન પર ખાસ ટીપ આપશે.
નોંધનીય છે કે પીએમ મોદીનો પરીક્ષા પે ચર્ચા પરનો સંવાદ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવને દૂર કરવામાં અને જીવનમાં જરૂરી કૌશલ્ય વિકસાવવામાં મદદ કરે છે. આ કાર્યક્રમ થકી પીએમ મોદી પોતાના અનુભવો શેર કરવાનું અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરવાનું ચાલુ જ રાખશે. તાજેતરમાં જ પીએમ મોદીએ સોમવારે દિલ્હી ખાતે એક કાર્યક્રમમાં 30થી 40 વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અને વર્ગ સંબંધીત તણાવ અંગે ચર્ચા કરી હતી અને વિદ્યાર્થીઓના રેન્કિંગ કેન્દ્રિત અભિગમ બદલવા પર ભાર આપ્યો હતો.
આ પણ વાંચો…તો શું પશ્ચિમ બંગાળનું બદલાશે નામ! સીએમ મમતા બેનરજીએ કરી માગ
‘પરીક્ષા પે ચર્ચા’ના આ કાર્યક્રમ માટે આ વર્ષે 3.6 કરોડથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 3.3 કરોડ વિદ્યાર્થીઓ, 2.7 લાખ શિક્ષકો અને 5.5 લાખ વાલીઓનો સમાવેશ થાય છે. આ વર્ષના કાર્યક્રમમાં મહેમાનોના સંદેશાઓ સહિત કેટલાક રેકોર્ડ કરેલા વીડિયો પણ દર્શાવવામાં આવશે.