રોહિત અને ગંભીર વચ્ચે કડવાશ છે? આ વીડિયોમાં તો ગાઢ દોસ્તી દેખાય છે…
નાગપુર: આજે (બપોરે 1.30 વાગ્યે) અહીં ઇંગ્લૅન્ડ સામે શરૂ થઈ રહેલી વન-ડે સીરિઝ કેપ્ટન રોહિત શર્મા તેમ જ હેડ-કોચ ગૌતમ ગંભીર માટે ટર્નિંગ સાબિત થશે એવી સંભાવના વચ્ચે કેટલાક અહેવાલો જણાવે છે કે આ બંને દિગ્ગજ વચ્ચે કંઈક ખટપટ ચાલી રહી છે. જોકે વાઈરલ થયેલા એક વીડિયોમાં એવું કંઈ નથી જોવા મળ્યું. ઊલ્ટાનું, બંને વચ્ચે બહુ સારી દોસ્તી હોય એવું દેખાઈ રહ્યું છે.
નાગપુરની વન-ડેની પૂર્વ સંધ્યાએ હોટલમાં ડિનરની મોજ માણ્યા પછી ભારતીય ખેલાડીઓ તેમના રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે લૉબીમાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીર ગુસપુસમાં મગ્ન હતા. બન્નેએ જમ્યા પછી આ હળવી પળો માણી એનો વીડિયો વાઈરલ થયો છે.
વીડિયોમાં જોવા મળે છે કે રોહિત કંઈક રમૂજી વાત કરી રહ્યો હતો અને ગૌતમ ગંભીર ચહેરા પર સ્મિત રાખીને તેની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો.
બીસીસીઆઈના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ તાજેતરમાં જ એક પત્રકાર પરિષદમાં રોહિત-ગંભીર વચ્ચેના સંબંધો બગડ્યા હોવાનો આક્ષેપ સાફ શબ્દોમાં નકારી કાઢ્યો હતો.
આ પણ વાંચો…IND Vs ENG 1st ODI: કેએલ રાહુલ કે ઋષભ પંત, આજે કોને મળશે સ્થાન? આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11
ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં પર્થની પ્રથમ ટેસ્ટમાં નહોતો રમ્યો અને ભારતના પરાજયનો સિલસિલો ચાલ્યા પછી સિડનીની છેલ્લી ટેસ્ટમાં તેણે રમવાનું ટાળ્યું હતું. ભારત સિરીઝ 1-3થી હારી ગયું એટલે હેડ-કોચ ગૌતમ ગંભીરની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું હતું.