કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ફરી એકવાર કેન્દ્ર સરકારને તેમના રાજ્યનું નામ બદલીને બાંગ્લા કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે જો બોમ્બેનું નામ બદલીને મુંબઈ અને ઓરિસ્સાનું નામ બદલીને ઓડીશા કરવામાં આવે છે. તો તેમના રાજ્યનું નામ બદલવામાં કેન્દ્ર સરકારને શું વાંધો આવે છે.
રાજ્યસભામાં શૂન્ય કાળ દરમિયાન આ સવાલ ઉઠાવતા ટીએમસીના સાંસદ ઋતબ્રત બેનરજીએ જણાવ્યું હતું કે બાંગ્લા નામ રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાએ જુલાઈ 2018માં રાજ્યનું નામ બદલવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કર્યો હતો પરંતુ કેન્દ્રએ તેને હજી સુધી મંજૂરી આપી નથી.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું છે કે આ નામકરણ રાજ્યના ઇતિહાસ સંસ્કૃતિ અને ઓળખને અનુરૂપ છે અને લોકોની આકાંક્ષાઓને પણ પ્રતિબિંબિત કરે છે. 1947 માં બંગાળ બે ભાગમાં વહેંચાયેલું હતું. એક પશ્ચિમ બંગાળ અને બીજું પૂર્વ પાકિસ્તાન. 1971માં પૂર્વ પાકિસ્તાન સ્વતંત્ર થઈ ગયું અને બાંગ્લાદેશ નામનો નવો દેશ બન્યો. આજે હવે પૂર્વ પાકિસ્તાન અસ્તિત્વમાં નથી, ત્યારે આપણે પણ અહીં રાજ્યનું નામ બદલવાની અને પશ્ચિમ શબ્દ કાઢી નાખવાની જરૂર છે. પશ્ચિમ બંગાળના લોકોના જનાદેશનું સન્માન કરવાની જરૂર છે.
નોંધનીય છે કે રાજ્યનું નામ બદલવા અંગે અગાઉ મમતા બેનરજીએ એવો તર્ક આપ્યો હતો કે જો રાજ્યનું નામ બદલીને બાંગ્લા કરવામાં આવે તો તેમને ઘણો ફાયદો થશે અને રાજ્યના બાળકોને સ્પર્ધામાં જવામાં પણ મદદ મળશે. તેમને સ્પર્ધામાં પ્રાથમિકતા મળશે કારણ કે હાલમાં પશ્ચિમ બંગાળ નામ હોવાથી દરેક સ્પર્ધામાં તેમના રાજ્યના બાળકોને હાલમાં W આવે તેની રાહ જોવી પડે છે, જેને કારણે બાંગ્લાનું મહત્વ જ ઘટી ગયું છે. રાજ્યના બાળકોને અંત સુધી રાહ જોવાની ફરજ પડે છે. તેમણે કહ્યું હતું કે તેમના રાજ્યના નામની આગળ ‘પશ્ચિમ ‘ શબ્દ ઉમેરવાની કોઇ જરૂર નથી.
આ પણ વાંચો…‘ઇતિહાસ બદલો લે છે. …’, બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીનાનો હુંકાર
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષમાં શહેરોના નામ બદલવામાં આવ્યા છે. 2001માં કલકત્તાનું નામ બદલી કોલકાતા કરવામાં આવ્યું, 2014માં બેંગ્લોરનું બેંગલૂરું અને 1996માં મદ્રાસનું ચેન્નાઇ કરવામાં આવ્યું છે. બૉમ્બે નામ પણ બદલીને મુંબઇ કરવામાં આવ્યું છે.