ઘા પર ટાંકા લગાવવાને બદલે ફેવિક્વિક લગાવી દીધી! કર્ણાટકમાં નર્સની ઘોર બેદરકારી
![Nurse holding Fevikwik adhesive tube next to a bandaged child's wound.](/wp-content/uploads/2025/02/nurse-fevikwik-child-wound-treatment.webp)
બેંગાલુરુ: કર્ણાટકના એક સરકારી પ્રથમિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીના અહેવાલો પ્રકશિત થતા હોબાળો મચી ગયો છે. હાવેરી જિલ્લાના હનાગલ તાલુકાના અડૂર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક નર્સે એક બાળકને લાગેલા ઘા પર ટાંકા લગાવવાને બદલે ‘ફેવિક્વિક’ (Fevikwik)નો ઉપયોગ કર્યો (Karnataka primary health center negligence) હતો. સરકારે આ નર્સ સામે કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બુધવારે યોજાયેલી બેઠકમાં નર્સને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ કમિશનરના કાર્યાલય દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, “ફેવિક્વિક” એક એડહેસિવ સોલ્યુશન છે અને નિયમો હેઠળ તેનો તબીબી ઉપયોગ કરવાની મંજૂરી નથી. આ કિસ્સામાં, બાળકની સારવારમાં ‘ફેવિક્વિક’નો ઉપયોગ કરીને ફરજમાં બેદરકારી દાખવવા બદલ જવાબદાર સ્ટાફ નર્સને પ્રાથમિક અહેવાલ પછી સસ્પેન્ડ કરવામાં આવી છે અને નિયમો મુજબ તપાસ કરવામાં આવશે.
શું હતી ઘટના:
અહેવાલ મુજબ આ ઘટના 14 જાન્યુઆરીના રોજ બની હતી. સાત વર્ષના બાળક ગુરુકિશન અન્નપ્પા હોસમાને ગાલ પર ઈજા થતા ઊંડા ઘામાંથી લોહી વહેવા લાગ્યું હતું, તેના માતા-પિતા તાત્કાલિક તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ ગયા, જ્યાં હાજર નર્સે બાળકના ઘા પર ટાંકા લેવાને બદલે ફેવિક્વિક લગાવી દીધી હતી, જેને કારણે બાળકના માતાપિતાને ચિંતા થઇ હતી.
Also read: કર્ણાટકના CM સિદ્ધારમૈયાની મુશ્કેલી વધી, ઈડીએ કેસ કર્યો
નર્સે આવો રદિયો આપ્યો:
ચિંતિંત માતાપિતાએ નર્સનો એક વિડિયો રેકોર્ડ કર્યો જેમાં નર્સ દાવો કરે છે કે ચિંતા કરવાની જરૂર નથી, તે વર્ષોથી આવી રીતે સારવાર કરે છે. ટાંકાથી બાળકના ચહેરા પર કાયમી ડાઘ પડી જશે, જેના કરતા ફેવિક્વિક વધુ સારી છે. બાદમાં માતાપિતાએ સત્તાવાર ફરિયાદ નોંધાવી અને અધિકારીઓને વીડિયો પણ બતાવ્યો. આ બેદરકારી છતાં, નર્સ જ્યોતિને સસ્પેન્ડ કરવાને બદલે, અધિકારીઓએ 3 ફેબ્રુઆરીના રોજ તેનું હાવેરી તાલુકાની ગુત્થલ આરોગ્ય કેન્દ્રમાં ટ્રાન્સફર કરી દીધી, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. ત્યાર બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવી છે.