ઇન્ટરનેશનલ

આખરે હમાસ અને હેઝબુલ્લાહ પાસે આટલા પૈસા આવ્યા ક્યાંથી? શું અમેરિકા જ કરી રહ્યું છે મદદ?

ઇઝરાયલે હમાસનો ખાત્મો બોલાવવા માટે ગાઝામાં હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. જ્યારે હમાસ અને ઇઝરાયલ વચ્ચેની જંગ શરૂ થઇ હતી ત્યારે ઇઝરાયલ પર લેબેનોનના આતંકવાદી સંગઠન હેઝબુલ્લાહ પણ હુમલો કર્યો હતો. તેમજ સીરિયાએ પણ ઇઝરાયલ પર આક્રમણ કર્યું હતું. હાલ ઇઝરાયલ ત્રણેય તરફથી થઇ રહેલા સતત હુમલાનો સામનો કરી રહ્યું છે. અમેરિકા સહિત પશ્ચિમના દેશોએ કહ્યું છે કે તેઓ ઇઝરાયલની સાથે છે. ઉપરાંત આ દેશો યુદ્ધમાં હોળીનું નાળિયેર બની રહેલા ગાઝાના નિર્દોષ નાગરિકોની સલામતિની પણ પ્રાર્થના કરી રહ્યા છે.

લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં આખરે હમાસ અને હેઝબુલ્લાહ કઇ રીતે આટલું ટકી શક્યા? તેમને ઇરાનનું સમર્થન છે એ વાત તો જગજાહેર છે પરંતુ ઇરાન સિવાય પણ એવું કોણ છે જે તેમને સહાય પૂરી પાડી રહ્યું છે. આ સવાલનો જવાબ ચોંકાવી દેનારો છે. સંયુક્ત રાષ્ટ્રો એટલે કે UN પોતે જ અહીં સહાયકની ભૂમિકા ભજવી રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ સંયુક્ત રાષ્ટ્રો હમાસ અને હેઝબુલ્લાહને આતંકી સંગઠન જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા છે.


તેમજ તેમના પર હજુસુધી કોઇ પ્રતિબંધ પણ મુકાયો નથી. જો કે અલ કાયદા અને ISISને આતંકવાદી સંગઠન ઘોષિત કરી દેવાયા છે. જેથી વિદેશી ભંડોળ મેળવવાની તેમની પાત્રતા ખતમ થઇ જાય છે. પરંતુ હમાસ અને હેઝબુલ્લાહ હજુસુધી વિદેશી ભંડોળ મેળવી રહ્યા છે. ફાઉન્ડેશન ફોર ધ ડિફેન્સ ઓફ ડેમોક્રેસીસના સિનીયર એડવાઇઝર રિચર્ડ ગોલ્ડબર્ગે જણાવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રોને જનારા અમેરિકાના કરદાતાઓના નાણા સીધા આતંકીઓના હાથમાં જઇ રહ્યા છે.

યુએન પાસે UNRWA(યુનાઇટેડ નેશન્સ રિલીફ વર્ક્સ એજન્સી) છે. જે પેલેસ્ટાઇનના શરણાર્થીઓ માટે રિલીફ અને હ્યુમન ડેવલપમેન્ટનને સપોર્ટ કરવાનું કામ કરે છે. આ એજન્સીને વર્ષ 2021માં યુએનના સભ્ય દેશો પાસેથી 15 મિલિયન ડોલર મળ્યા હતા. પોતાની વેબસાઇટમાં તેણે અમેરિકાને સૌથી વધુ દાન આપનારો દેશ ગણાવ્યો છે. ગોલ્ડબર્ગે જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના જ કાર્યકાળમાં આ એજન્સીને 1 બિલિયન ડોલર મળ્યા હતા. આ એજન્સી પોતાના બજેટના 38 ટકા ગાઝા પર ખર્ચ કરે છે.


જો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ હમાસ અને હેઝબુલ્લાહને આતંકી સંગઠન જાહેર ન કરે તો અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રોની એ તમામ સંસ્થાઓ પર રોક લગાવવાની માગ કરવાની જરૂર છે જે તેમને પ્રોત્સાહન આપે છે.


અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર નિક્કી હેલીએ પણ વારંવાર હમાસને આતંકી સંગઠનની યાદીમાં સામેલ કરવા પર ભાર મુક્યો હતો. તેમણે યુએનની આલોચના કરતા જણાવ્યું હતું કે આવા લોહી તરસ્યા સંગઠનોની નિંદા કરવી જોઇએ કે જે બાળકોની હત્યા કરી રહ્યું છે.

મહિલાઓ સાથે બળાત્કાર કરી રહ્યું છે અને પરિવારોને ખતમ કરી રહ્યું છે. આટલું થયા બાદ પણ યુએન તેને આતંકી સંગઠન જાહેર નથી કરી રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button