તૂટેલા સપના, માથા પર બોજ અને ભવિષ્યની ચિંતા લઈને 33 ગુજરાતી અમદાવાદ આવ્યા
અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને આપેલું પોતાનનું વચન પાળતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે ચિંતા ઊભી થઈ છે. અમેરિકાએ ગેરકાયદે ઘુસેલા 104 ભારતીયોને હાથકડી બાંધી પ્લેનમાં અમૃતસર ઉતાર્યા હતા. આ ભારતીયોમાંથી 33 ગુજરાતી આજે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા છે. હવે અહીંથી તેઓ પોતાના વતન જશે. મોટાભાગના ઉત્તર ગુજરાતના વતનીઓ છે, જેમાં 8 બાળકો-કિશોરો હોવાનું જાણવા મળ્યું છે.
આ તમામ ગુજરાતીઓ લાખોનું દેવું કરી, ખેતીની જમીનો વેચી ખોટા રસ્તાઓ અપનાવી અમેરિકા ગયા હતા. અમેરિકન સરકારે ગેરકાયદે પોતાના દેશમાં ઘુસેલા લોકોને તગેડી મૂકવાનું અભિયાન શરૂ કર્યું છે ત્યારે ભારતીયોની પણ મોટી સંખ્યા છે. ખાસ કરીને પંજાબ અને ગુજરાતથી અમેરિકા, કેનેડા, યુકે વધુ જતા હોય છે. આથી હજુ ત્યાં ગેરકાયદે વસતા ગુજરાતીઓમાં ફફડાટ છે.
દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર પોલીસે વ્યવસ્થિત બંદોબસ્ત રાખ્યો હતો, તેમને વાહન પણ પૂરાં પાડવામાં આવ્યા છે.
નજીકના સૂત્રો અનુસાર પહેલા તેમને તેમના વતન જવા દેવામાં આવશે. હાલમાં કોઈની પૂછપરછ કરવામાં આવશે નહીં અને ગુનો પણ નોંધવામાં આવશે નહીં. બીજી બાજુ આ લોકો અને તેમનો પરિવાર ચિંતામાં છે. મોટાભાગનાએ માથે દેવું કર્યું છે. તો વળી અહીં કામકાજ મેળવવાની ચિંતા પણ તેમને છે. જોકે પરિવાર માટે હાલમાં પોતાના સ્વજન પાછા આવ્યા તે વધારે મહત્વનું છે.
જોકે ગેરકાયદે જવાના રેકેટ અંગે હવે વધારે ખુલાસાઓ થઈ શકશે અને પોલીસ પણ તપાસ આગળ વધારી શકશે તેમ લાગી રહ્યું છે.