Pakistan એ ફરી કાશ્મીર રાગ આલાપ્યો, શાહબાઝ શરીફે ભારતને વાતચીતની વિનંતી કરી
![Shahbaz Sharif addressing Kashmir dispute during a press conference with Indian officials.](/wp-content/uploads/2025/02/pakistan-india-kashmir-talks-shahbaz-sharif.webp)
નવી દિલ્હી : પાકિસ્તાને(Pakistan)ફરી એકવાર કાશ્મીર રાગ આલાપ્યો છે , જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે કહ્યું હતું કે પાકિસ્તાન ભારત સાથે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓ વાતચીત દ્વારા ઉકેલવા માંગે છે. તેમણે કહ્યું કે તેમનો દેશ કાશ્મીરીના લોકોને ટેકો આપવાનું ચાલુ રાખશે.
મુદ્દાઓનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા માંગીએ છીએ
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીર એકતા દિવસ નિમિત્તે મુઝફ્ફરાબાદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિધાનસભાના સત્રને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. શરીફે કહ્યું કે અમે કાશ્મીર સહિત તમામ મુદ્દાઓનો ઉકેલ વાતચીત દ્વારા લાવવા માંગીએ છીએ. તેમણે કહ્યું ભારતે 5 ઓગસ્ટ 2019 ની માનસિકતામાંથી બહાર આવવું જોઈએ અને સંયુક્ત રાષ્ટ્રને આપેલા વચનો પૂરા કરવા જોઈએ. તેમજ વાતચીત શરૂ કરવી જોઈએ.
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા માટે ભારતનું અભિન્ન અંગ
શાહબાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાન અને ભારત માટે આગળ વધવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે. જેમ કે 1999 માં લાહોર ઘોષણામાં દર્શાવવામાં આવ્યું હતું. આ કરાર તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની પાકિસ્તાન મુલાકાત દરમિયાન થયો હતો. જોકે, ભારતે વારંવાર કહ્યું છે કે તે આતંકવાદ અને હિંસા મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે સામાન્ય પાડોશી સંબંધો ઇચ્છે છે. આ ઉપરાંત ભારતે એમ પણ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા માટે ભારતનું અભિન્ન અંગ છે.
Also read: પાકિસ્તાનની દીકરી બની ભારતની પુત્રવધુ
પ્રદેશના લોકોનું ભાગ્ય બદલાશે નહીં
પાકિસ્તાનના વડા પ્રધાન શરીફે ભારત પર શસ્ત્રોનો સંગ્રહ કરવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે હથિયારો મૂકવાથી શાંતિ નહીં આવે કે પ્રદેશના લોકોનું ભાગ્ય બદલાશે નહીં. તેમણે કહ્યું કે પ્રગતિનો માર્ગ શાંતિ છે. પાકિસ્તાની વડા પ્રધાને વધુમાં કહ્યું કે તે કાશ્મીરી લોકોના આત્મ નિર્ણયને રાજદ્વારી સમર્થન આપવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ હેઠળ કાશ્મીરી લોકોના આત્મનિર્ણયના અધિકાર દ્વારા જ શક્ય બની શકે છે.
કાશ્મીરી લોકો મુક્તપણે પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે
જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શરીફે આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારત પર દબાણ લાવવા વિનંતી કરી હતી. જેથી કાશ્મીરી લોકો મુક્તપણે પોતાનું ભવિષ્ય નક્કી કરી શકે અને પ્રદેશમાં કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે. પીઓકેના કહેવાતા વડા પ્રધાન અનવર ઉલ હકે કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરી લોકોનું અંતિમ મુકામ છે અને કાશ્મીર મુદ્દાને ઉકેલ્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ શક્ય નથી.