એનસીપી (એસપી)ના એકનાથ ખડસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના નેતા એકનાથ ખડસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા, એમ સૂત્રો પાસેથી બુધવારે જાણવા મળ્યું હતું.
મુખ્ય પ્રધાનના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે દક્ષિણ મુંબઈમાં ફડણવીસના વર્તમાન સત્તાવાર બંગલા ‘સાગર’ ખાતે આ મુલાકાત થઈ હતી.
ખડસે કોઈ અંગત કામ માટે મુખ્ય પ્રધાનને મળ્યા હતા. તે કોઈ રાજકીય મુલાકાત નહોતી, એમ જણાવવામાં આવ્યું હતું આવી જ રીતે તેમણે બેઠક દરમિયાન શું થયું તેની કોઈ વિગતો જાહેર કરવામાં આવી નહોતી.
આ પણ વાંચો: એકનાથ ખડસેની ‘ભાજપ વાપસી’ને ગ્રહણ?: શું કહ્યું ખડસેએ?
લગભગ ચાર દાયકા સુધી ભારતીય જનતા પાર્ટી સાથે રહેલા ખડસેએ 2016માં તેમના પરિવાર દ્વારા વિવાદાસ્પદ જમીન ખરીદીને કારણે ફડણવીસના નેતૃત્વ હેઠળના મહારાષ્ટ્ર પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. બાદમાં, તેઓ ભાજપ છોડીને શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.
ગયા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા, ખડસેએ ભાજપમાં પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે શક્ય બન્યું નહોતું. ત્યારબાદ તેમણે ફડણવીસ પર તેમના પાછા ફરવાને રોકવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: એકનાથ ખડસે ક્યારે ભાજપમાં પાછા ફરશે, જાણો શું કહ્યું રક્ષા ખડસે?
તેમની પુત્રવધૂ રક્ષા ખડસે યુવા બાબતો અને રમતગમત ખાતાના કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાન છે.
એકનાથ ખડસે સત્તા પિપાસુ: ચંદ્રકાંત પાટીલ
એકનાથ ખડસે સત્તાપિપાસુ છે અને જ્યાં સત્તા હોય ત્યાં જવાનો પ્રયાસ કરતા હોય છે, તેઓ પહેલાં મહાવિકાસ આઘાડીમાં ગયા હતા અને હવે પાછા ભાજપમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્તામાંથી મિલકતો એકઠી કરીને પોતાની દુકાન ચાલુ રાખવાનો તેમનો પ્રયાસ હોય છે. ફક્ત સત્તા માટે નહીં, પરંતુ તેમની પાછળ લાગેલી ઈડીની કાર્યવાહીને કેવી રીતે રોકી શકાય તેને માટે તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુલાકાત લીધી હોઈ શકે એમ એકનાથ શિંદેની શિવસેનાના મુક્તાઈનગરના વિધાનસભ્ય ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ખડસેની ફડણવીસ સાથેની મુલાકાત બાદ રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. એકનાથ ખડસે ભાજપમાં ફરી પ્રવેશ કરશે એવી અટકળો પણ લાગી રહી છે. આ બધા વચ્ચે શિંદે સેનાના વિધાનસભ્ય ચંદ્રકાંત પાટીલે ખડસેની ટીકા કરી હતી.
બીજી તરફ એકનાથ ખડસેએ એવો ખુલાસો કર્યો હતો કે મારા મતદારસંઘના કેટલાક વિકાસ કામો માટે મુખ્ય પ્રધાનની મુલાકાત લીધી હતી.