વરિષ્ઠ નાગરિકોને સરકારની ‘આ’ યોજના કરાવશે યાત્રાઃ દોઢ લાખ નાગરિકોને મળ્યો લાભ
![Gujarati New Years devotes rush In temples Tags Gujarati new year, Somnath, dwarka, dakor, am](/wp-content/uploads/2024/11/image-ezgif.com-resize-12-780x470.webp)
અમદાવાદ: ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુસર “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકાર દ્વારા પહેલી મે 2017ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ આ યોજનાનો લાભ લીધો છે, જેના માટે રાજ્ય સરકારે અંદાજે 1128 લાખથી વધુનો ખર્ચ કર્યો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના ત્રણ રાત અને ત્રણ દિવસ એમ 72 કલાક અથવા 2,000 કિ.મી સુધીની પ્રવાસની મર્યાદામાં મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા 27 યાત્રાળુઓએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે.
Also read: આજે 33 ગુજરાતીઓ ભારત પાછા ફરશેઃ ડંકી રૂટથી ગયા હતા અમેરિકા
ભાડાંમાં કેટલી રાહત?
આ ઉપરાંત, ગુજરાતના યાત્રાધામોના દર્શન માટેની આ યોજનામાં એસ.ટી.ની નોન એ.સી. સુપરબસ, એસ.ટી.ની નોન એ.સી મીની બસ, એસ.ટી.ની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડું બેમાંથી જે ઓછું હોય તેની 75 ટકા રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં 27થી 35 યાત્રાળુઓ સુધી મીની બસનું તથા 36 થી ૫૬ યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.
રહેવા જમવાની શું સહાય મળશે?
વધુમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દરેક યાત્રીને ઉચ્ચક સહાય તરીકે એક દિવસના જમવાના રૂ.50 અને રહેવાના રૂ.50 એમ કુલ રૂ.100 અને વધુમાં વધુ રૂ.300ની મર્યાદામાં ચૂકવવામાં આવશે. યાત્રાળુઓએ યાત્રા પૂર્ણ કર્યાના બે માસમાં આધાર-પુરાવા રજૂ કરવાના રહેશે. યોજના વિશે વધુ માહિતી યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઈટ પરથી મળી રહેશે.