મરાઠવાડામાં દુકાળ ભૂતકાળ બની જશે: ફડણવીસ
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે કહ્યું હતું કે રાજ્યની બધી જ લિફ્ટ ઈરિગેશન યોજનાઓને સૌર ઊર્જા પર ચલાવવામાં આવશે જેથી કરીને ખેડૂતોને અખંડિત વીજ પુરવઠો મળી શકે અને ઉમેર્યું હતું કે મરાઠવાડા વિસ્તારમાં દુકાળ એ ભૂતકાળ બની જશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે નદી જોડાણ પ્રકલ્પ આડે રહેલા અવરોધો મહાયુતિ સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યા છે અને તેના પર આગામી એક વર્ષમાં કામ ચાલુ કરી દેવામાં આવશે.
મુખ્ય પ્રધાને બીડ જિલ્લામાં આવેલા આષ્ટી તાલુકામાં આવેલા શિંપોરાથી કુંઠેફલ સિચાઈ પ્રોજેક્ટનું ભૂમિપુજન કર્યું હતું, આ પ્રોજેક્ટથી 8,100 હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવશે.
ફઢણવીસે કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે કૃષ્ણા વેલીનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 23 ટીએમસી પાણી મરાઠવાડાને આપવાનું હતું, પરંતુ કમનસીબે તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવ્યો નહોતો અને ફક્ત સાત ટીએમસી પાણી મળ્યું હતું જેથી 23 ટીએમસી પાણી ફક્ત કાગળ પર ઉપલબ્ધ કરાવાયું હતું.
મૂળ યોજના મુજબવ પાણીને પહેલાં ધારાશિવ જિલ્લાના સીના કોલેગાંવ ખાતે પહોંચાડવાનું હતું, પરંતુ તેનું આયોજન કરવામાં આવ્યું નહોતું. અમારી સરકારે આવશ્યક પરવાનગીઓ 2022માં આપી હતી અને કામ આગળ વધાર્યું હતું, એમ ફડણવીસે કહ્યું હતું.
આ પણ વાંચો : ગઢચિરોલીના પાલક પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક ગરીબ માતાએ પત્ર લખ્યો કે…
મરાઠવાડામાં દુકાળ ભૂતકાળ બની જશે. ટૂંક સમયમાં આ વિસ્તારને સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે. અહીંથી પાણી ડ્રિપ ઈરિગેશન દ્વારા ખેતરો સુધી પહોંચાડવામાં આવશે. અમે પશ્ર્ચિમી વિસ્તારોમાંથી બીજું 53 ટીએમસી પાણી જે સમુદ્રમાં વહી જાય છે તેને ગોદાવરીમાં વાળીશું. આ થઈ ગયા પછી આ વિસ્તારની આગામની પેઢીઓને ક્યારેય દુકાળનો સામનો કરવો પડશે નહીં, એમ ફડણવીસે કહ્યું હતું.
નદી-જોડાણ પ્રોજેક્ટ આડેના અવરોધો દૂર કરી નાખવામાં આવ્યા છે અને આગામી એક વર્ષમાં તેનું કામ શરૂ કરી શકાશે. અમે દ્રઢપણે એવું કામ કરવા માગીએ છીએ કે આ વિસ્તારની આગામી પેઢીને દુકાળ જોવો ન પડે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી નદી જોડાણ પ્રોજેક્ટ માટે મદદ કરવા તૈયાર છે અને અમે આવી બધી જ યોજનાઓ સૌર ઊર્જા પર ચલાવવાના છીએ, એમ તેમણે કહ્યું હતું.
મરાઠવાડામાં આઠ જિલ્લા છત્રપતિ સંભાાજીનગર, જાલના, બીડ, પરભણી, લાતુર, નાંદેડ, ધારાશિવ અને હિંગોલીનો સમાવેશ થાય છે.
લિફ્ટ ઈરિગેશન પ્રોજેક્ટ માર્ચ-2027માં સૌર ઊર્જા સંચાલિત બનશે, એવી માહિતી ફડણવીસે આપી હતી.