આપણું ગુજરાત

કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે: કૉંગ્રેસ

ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગાંધી- સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે.

તેમણે આંકડાઓ આપતા જણાવ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં ૮૦ આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળે સહિતના કારણોને કારણે આરોપીઓનાં મોત થયા છે. વર્ષ ૨૦૨૨માં જ ગુજરાતમાં સૌથી વધુ ૨૪ મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (એનએચઆરસી)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ ભાજપ સરકારના ગૃહ વિભાગના સત્તાવાળાનો અસંવેદનશીલ – અમાનવીય ચહેરો ખુલ્લો કરે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૧૪, વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૧૨ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ કસ્ટોડીયલ ડેથની ઘટના બની છે, કોરોનાકાળના વર્ષ ૨૦૧૯-૨૦માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૪ ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.


તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સુપ્રિમ કોર્ટના ૨૪ જુલાઈ ૨૦૧૫ના ચુકાદામાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે આદેશ છતાં ગુજરાતમાં ૧૩૦ પોલીસ સ્ટેશનમાં આજદિન સુધી સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા નથી. સી.સી.ટી.વી. કેમેરા લગાવવાથી માનવ અધિકારના ઉલ્લંઘનને રોકી શકવામાં મદદ મળી શકે અને સત્તાધિશોને શિસ્ત જાળવવામાં મદદરૂપ થાય છે. સુપ્રિમકોર્ટના ચુકાદા પછી જો રાજ્ય સરકાર સી.સી.ટી.વી. કેમેરા લગાવ્યા હોત તો અનેક કિસ્સામાં કસ્ટોડીયલ ડેથ રોકી શકાયા હોત. ઘણાં કિસ્સામાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા હોવા છતાં કાર્યરત નથી તે ઘણી ચિંતાનો વિષય છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button