બેંકોએ લોન કરતા વધુ રૂપિયા વસૂલ્યાઃ વિજય માલ્યાએ બેંગલુરુ હાઈ કોર્ટમાં કર્યો દાવો
બેંગલુરુઃ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાએ કર્ણાટક હાઇ કોર્ટમાં અરજી કરી હતી. વિજય માલ્યાની અરજીના જવાબમાં કર્ણાટક હાઈ કોર્ટે બેન્કોને નોટિસ જાહેર કરી છે. પોતાની અરજીમાં વિજય માલ્યાએ પોતાની પાસેથી વસૂલવામાં આવેલી રકમ, યુનાઇટેડ બ્રેવરીઝ હોલ્ડિંગ્સ લિમિટેડ (યુબીએચએલ, હવે લિક્વિડેશનમાં છે) અને અન્ય પ્રમાણપત્ર દેવાદારો પાસેથી વસૂલવામાં આવેલી રકમની જાણકારી આપતા એકાઉન્ટ્સનું સ્ટેટમેન્ટ માંગવામાં આવ્યું છે.
જસ્ટિસ આર દેવદાસે બેન્કોને 13 ફેબ્રુઆરી સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો હતો. માલ્યા તરફથી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ સાજન પૂવૈયાએ દલીલ કરી હતી કે કિંગફિશર એરલાઇન્સ અને તેની હોલ્ડિંગ કંપની યુબીએચએલ સામેના લિક્વિડેશન આદેશને સુપ્રીમ કોર્ટ સહિત તમામ ન્યાયિક સ્તરે યથાવત રાખવામાં આવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે લોન પહેલાથી જ વસૂલી લેવામાં આવી છે તેમ છતાં માલ્યા સામે વધારાની વસૂલાતની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.
પૂવૈયાએ કોર્ટને જણાવ્યું હતું કે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી) એ મુખ્ય દેવાદાર તરીકે કિંગફિશર એરલાઇન્સ અને ગેરન્ટર તરીકે યુબીએચએલને 6,200 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું, “આખરે તે આદેશ અમલમાં આવી ચૂક્યો છે. જોકે, 2017થી અત્યાર સુધી 6,200 કરોડ રૂપિયા અનેક વખત વસૂલ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં વસૂલાત કરનારા અધિકારીએ પુષ્ટી કરી છે કે 10,200 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.
વધુમાં સત્તાવાર લિક્વિડેટરે જણાવ્યું છે કે બેન્કોએ તેમના બાકી રૂપિયા પાછા મેળવી લીધા છે અને નાણામંત્રીએ પણ સંસદને જણાવ્યું હતું કે 14,000 કરોડ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.લિક્વિડેટર એવી વ્યક્તિ છે જેની પાસે કંપની બંધ થાય તે પહેલાં તેના વતી કાર્ય કરવાનો કાનૂની અધિકાર છે.
આ પણ વાંચો : લલિત મોદીએ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થ માલ્યા લગ્નમાં હાજરી આપી
તેમણે સ્પષ્ટતા કરી કે અરજીમાં લોનની ચુકવણી પર વિવાદ કરવામાં આવ્યો નથી પરંતુ દલીલ કરવામાં આવી છે કે કંપની અધિનિયમ હેઠળ, એકવાર લોન સંપૂર્ણપણે ચૂકવાઈ ગયા પછી ગેરન્ટર કંપની (યુબીએચએલ) પાસે કોઈ શેષ જવાબદારી રહેતી નથી.
જોકે આ પ્રક્રિયા માટે વસૂલ કરનારા અધિકારી પાસેથી પ્રમાણપત્રની જરૂર પડે છે જેનાથી પુષ્ટી થાય છે કે લોન સંપૂર્ણપણે ચૂકવવામાં આવી છે, જે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ વચ્ચે રિકવરી કરવામાં આવી રહી છે પરંતુ એ સ્પષ્ટ નથી કે પ્રાથમિક લોનની સંપૂર્ણપણે ચૂકવણી થઇ ચૂકી છે કે નહીં.