વડોદરામાં નાના બાળકોએ ફરી ફાયર બ્રિગેડને કામે લગાડી
થોડા દિવસ પહેલા ઘરમાં ફૂલ વોલ્યુમમાં ટીવી ચાલુ રાખી ઊંઘી ગટેલા બાળકને બહાર કાઢવા ફાયર બ્રિગેડને બોલાવવી પડી હતી, ત્યારે વડોદરામાં ફરી આવી એક ઘટના બહાર આવી છે. અહીંની એક સોસાયટીમાં બે બાળક મકાનમાં ભૂલથી પુરાઇ ગયા હતા. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ટીમે બાળકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
વડોદરામાં પોલો ગ્રાઉન્ડ નજીકની સોસાયટીનો આ બનાવ છે. જ્યાં બે બાળકો મકાનમાં ભુલથી પુરાઈ ગયા હતા. બે જોડીયા બાળકોએ ભુલથી ક રમતરમતમાં તાળું મારી દીધું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેના પગલે ફાયરની ટીમે બાળકોને મકાનમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.
ફાયરના જવાનોએ પોતાની ગાડી ઉપરની સીડી દ્વારા પ્રથમ માળે ફસાયેલા બે બાળકોને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો. ફાયરની ટીમ દ્વારા બારીની ગ્રીલ તોડીને રૂમમાં પ્રવેશ કરાયો હતો અને બાળકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. બંને બાળકો ડોક્ટરના સંતાનો છે. જોકે બાળકો હેમખેમ બહાર આવી જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.