કવિ-સંત તુકારામના વંશજ શિરિષ મોરે મહારાજે આત્મહત્યા કરી
પુણે: 17મી સદીના મરાઠી કવિ-સંત તુકારામના 11મા વંશજ અને કીર્તનકાર શિરિષ મોરે મહારાજે કથિત આત્મહત્યા કરી હતી.
32 વર્ષના શિરિષ મહારાજના દેહુ રોડ વિસ્તારમાં આવેલા ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં નાણાભીડને કારણે પોતે અંતિમ પગલું ભરી રહ્યાનો તેમાં ઉલ્લેખ કરાયો હતો.
બુધવારે સવારે પરિવારજનોએ શિરિષ મહારાજની રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો, પણ અંદરથી કોઇ પ્રતિસાદ મળ્યો નહોતો. આથી તેમણે પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો : પુણે અને સતારા જિલ્લાઓને સીધો ફાયદો કરતા બે નિર્ણય કેબિનેટમાં લેવાયા
આથી પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રૂમનો દરવાજો તોડીને તેઓ અંદર પ્રવેશ્યા હતા, જ્યાં શિરિષ મહારાજ છત સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા, એમ પિંપરી-ચિંચવડ પોલીસે કહ્યું હતું.
દરમિયાન તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ અંગે તપાસ આદરી હતી.
શિરિષ મોરે મહારાજ જાણીતા કીર્તનકાર અને આધ્યાત્મિક વક્તા હતા, જે સમુદાયમાં આદરણીય હતા. (પીટીઆઇ)