સ્પોર્ટસ

રૅન્કિંગમાં અભિષેકની છલાંગને લીધે તિલક અને સૂર્યાને નુકસાન, જાણો કેવી રીતે…

મુંબઈઃ ભારતે ઇંગ્લૅન્ડને પાંચ મૅચની ટી-20 સિરીઝમાં 4-1થી હરાવી દીધું એમાં તિલક વર્મા એક જ મોટી ઇનિંગ્સ રમ્યો, જ્યારે તેની તુલનામાં બે મોટી ઇનિંગ્સ ઉપરાંત બીજી બે સાધારણ ઇનિંગ્સ રમીને ટીમ ઇન્ડિયાને રનનો ઢગલો કરવામાં સૌથી મોટું યોગદાન આપનાર અભિષેક શર્માએ ટી-20ના રૅન્કિંગમાં એકસાથે બે ભારતીય બૅટરને પાછળ રાખીને બીજું સ્થાન મેળવી લીધું છે.

સિરીઝમાં અભિષેકના 279 રન બન્ને ટીમના તમામ બૅટર્સમાં હાઈએસ્ટ હતા અને વાનખેડેની રવિવારની અંતિમ મૅચમાં વિક્રમજનક 135 રન બનાવવા બદલ તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. ઇંગ્લૅન્ડનો જૉસ બટલર 146 રન સાથે બીજા ક્રમે હતો, જ્યારે અભિષેકની સરખામણીમાં તિલકના અડધા રન પણ નહોતા. તિલક આ શ્રેણીમાં 133 રન સાથે ત્રીજા નંબરે હતો.

રૅન્કિંગમાં અભિષેક 38 ક્રમની છલાંગ લગાવીને બીજા નંબર પર આવી ગયો છે. ઑસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ 855 રેટિંગ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે છે, જ્યારે અભિષેક કરીઅર-બેસ્ટ 829 પૉઇન્ટ સાથે બીજા નંબરે છે. તિલક ત્રીજા સ્થાને ઊતરી ગયો છે અને તેના નામે 803 પૉઇન્ટ છે. કૅપ્ટન સૂર્યકુમાર યાદવ જે એક સમયે ઘણા અઠવાડિયાઓ સુધી પહેલા નંબરે હતો તે હાલમાં ચોથા પરથી હવે પાંચમા નંબરે પહોંચી ગયો છે અને તેના ખાતે 738 પૉઇન્ટ છે.

આ પણ વાંચો : સાઉથ આફ્રિકા બે વર્ષમાં આટલા ટી-20 વર્લ્ડ કપ હાર્યું!

બીજી રીતે કહીએ તો અભિષેકે રૅન્કિંગમાં જે હરણફાળ ભરી છે એનાથી તિલક ઉપરાંત સૂર્યાને પણ નુકસાન થયું છે.

ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટને પણ એક સ્થાનનું નુકસાન થયું છે અને તે 798 પૉઇન્ટ સાથે ચોથા નંબરે છે.

ટી-20 બોલિંગમાં ભારતના સુપરસ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ ઘણો ફાયદો થયો છે. ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં હાઇએસ્ટ 14 વિકેટ લેનાર વરુણ બોલર્સના રૅન્કિંગમાં ત્રણ ક્રમની છલાંગ લગાવીને બીજા નંબર પર આવી ગયો છે.

ઇંગ્લૅન્ડનો સ્પિનર આદિલ રાશિદ પણ બીજા સ્થાને છે. આ યાદીમાં વેસ્ટ ઇન્ડિઝનો લેફ્ટ-આર્મ સ્પિનર અકીલ હોસૈન ફરી મોખરે થઈ ગયો છે. તેણે આદિલ રાશિદ પાસેથી આ સ્થાન છીનવી લીધું છે.

રવિ બિશ્નોઈ ચાર ક્રમની છલાંગ સાથે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. ભારતનો જ અર્શદીપ સિંહ પણ ટૉપ-ટેનમાં છે. તે નવમા નંબરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button