ભંડારામાં ડ્રાય ક્લિનિંગ શૉપમાંથી બેન્કના પાંચ કરોડ જપ્ત: નવની અટકાયત
ભંડારા: ભંડારા જિલ્લામાં ડ્રાય ક્લિનિંગ શૉપમાંથી ખાનગી બેન્કના કહેવાતા પાંચ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા બાદ પોલીસે બેન્કના મેનેજર સહિત નવ જણની અટકાયત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નુરુલ હસને જણાવ્યું હતું કે કેટલાક લોકોએ એક્સિસ બેન્કની બ્રાન્ચના મેનેજરને પાંચ કરોડ રૂપિયાના બદલામાં છ કરોડ રૂપિયા આપવાની લાલચ આપી હતી અને તેની પાસેથી પાંચ કરોડ રૂપિયા લીધા હતા.
દરમિયાન મળેલી માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટિ ટેરરિઝમ સેલ દ્વારા સ્થાનિક પોલીસ સાથે મળીને મંગળવારે તુમસર વિસ્તારના ઇન્દિરાનગરમાં ડ્રાય ક્લિનિંગ શૉપમાં રેઇડ પાડી હતી. ત્યાંથી બોક્સમાં રાખેલા પાંચ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. મશીનોની મદદથી રોકડની ગણતરી કરવામાં પોલીસને પાંચ કલાક લાગ્યા હતા.
આ પણ વાંચો: પેમેન્ટ્સ બેન્કની ફ્રેન્ચાઇઝી અપાવવાના બહાને દંપતી સાથે 80 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો…
પ્રથમદર્શી એવું જણાયું છે કે મેનેજરે બેન્કમાંથી રોકડ ઉપાડી લીધી હતી. અમે એક્સિસ બેન્કના વરિષ્ઠ અધિકારીઓને આની જાણ કરી છે અને તેઓ તુમસર આવ્યા બાદ આ અંગે વધુ માહિતી મેળવવામાં આવશે. આ પ્રકરણે બેન્કના મેનેજર સહિત નવ જણની અટકાયત કરવામાં આવી હતી, એમ નુરુલ હસને કહ્યું હતું.
(પીટીઆઇ)