ઈસ્લામાબાદઃ આર્થિક રીતે દેવાળિયા થઇ ગયેલી પાકિસ્તાન સરકાર હવે ગેસના ભાવમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની માંગ પર પાકિસ્તાનની રખેવાળ સરકાર ગેસ ટેરિફમાં 100 ટકાનો વધારો કરી શકે છે એવી માહિતી મળી છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોના જણાવ્યા અનુસાર, IMFએ ગેસ સેક્ટરમાં દેવું ઘટાડવા માટે આગામી આર્થિક સમીક્ષા પહેલા ગેસ ટેરિફમાં 100 ટકા સુધી વધારો કરવાની માંગ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જો ગેસ ટેરિફ નહીં વધારવામાં આવે તો ગેસ સેક્ટરના સર્ક્યુલર ડેબ્ટમાં રૂ. 185 બિલિયનની અછત ઉમેરાશે. ગેસ સેક્ટરનું વર્તમાન સર્ક્યુલર ડેબ્ટ રૂ. 2,700 અબજને સ્પર્શી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જુલાઈ-સપ્ટેમ્બર, 2023 સુધીમાં ગેસ કંપનીઓએ તેમની કુલ ખોટમાં રૂ. 46 અબજનો વધારો કર્યો છે.
પાકિસ્તાનની સરકારે જણાવ્યું હતું કે ગેસના ભાવમાં વધારા અંગેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને આર્થિક સંકલન સમિતિ (ECC)ની આગામી બેઠકમાં રજૂ કરવામાં આવે અને તેના પર ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યાર બાદ ગેસના ભાવમાં વધારો કરવામાં આવશે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) બેલઆઉટના બીજા હપ્તાની વાટાઘાટો સંભવતઃ ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં થશે. તે પહેલા પાકિસ્તાનની સરકારે ગેસના ભાવમાં 100 ટકા વધારો કરવો જ પડશે અન્યથા તેમનું આઇએમએફનું બેલઆઉટ પેકેજ રખડી પડશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને