(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાએ ચીનથી થતી આયાત સામે 10 ટકા ટેરિફ લાદવાના લીધેલા નિર્ણયની સામે ચીને પણ અમેરિકાથી થતી આયાત સામે 10થી 15 ટકા ટેરિફ લાદવાનો નિર્ણય લેતા ભવિષ્યમાં વેપાર યુદ્ધ અથવા તો ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતા ભાવ વધીને આૈંસદીઠ 2864.34 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં વધુ 0.8 ટકાની તેજી આવી હતી. આમ એક તરફ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 36 પૈસા ગબડી ગયો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન વેરારહિત ધોરણે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1307થી 1313ની તેજીનો પવન ફૂંકાઈ ગયો હતો, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 84,000ની સપાટી કુદાવી હતી. તે જ પ્રમાણે ચાંદીમાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં તેજીનું વલણ અને તેમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1620ની તેજી સાથે રૂ. 95,000ની સપાટી પાર કરી ગયા હતા.
દરમિયાન આજે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવ્યું હતું કે વર્તમાન વર્ષ 2025માં સોનાના ભાવ ઊંચી સપાટીએ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં ભારતની વપરાશી અથવા તો જ્વેલરી માટેની માગ નબળી પડશે, જ્યારે રોકાણલક્ષી માગમાં વૃદ્ધિ જોવા મળશે. કાઉન્સિલે વર્તમાન વર્ષ માટે સોનાની માગનો અંદાજ ગત સાલના 802.8 ટન સામે 700થી 800 ટન આસપાસનો મૂક્યો છે.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર આજે મધ્યસત્ર દરમિયાન હાજરમાં વેરા રહિત ધોરણે 999 ટચ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1628ની તેજી સાથે રૂ. 95,421ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઔદ્યોગિક વપરાશકારોની ચાંદીમાં પ્રબળ માગ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તેમ જ મધ્યસત્ર દરમિયાન એસોસિયેશનની યાદી અનુસાર વેરા રહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1307 વધીને રૂ. 83,985 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1313 વધીને રૂ. 84,323ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હોવાનું અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ઊંચે મથાળેથી માગ શાંત હોવાનું સૂત્રોએ જણાવતા ઉમેર્યું હતું કે આજે ડૉલર સામે રૂપિયો 36 પૈસા ગબડ્યો હોવાથી આયાત પડતરો વધવાથી સોનાની તેજીને વધુ ઈંધણ મળ્યું હતું.
અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વૉર વકરતા વૈશ્વિક સ્તરે પુરવઠાચેઈન ખોરવાઈ જવાની ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 2864.34 ડૉલર આસપાસની વિક્રમ સપાટીએ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને 2891.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 32.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ચીને વળતા પગલાંના ભાગરૂપે અમેરિકાથી થતી આયાત સામે 10થી 15 ટકા ડ્યૂટી લાદવાનો અને ગુગલ સહિતની ઘણી કંપનીઓને નોટિસ પાઠવવાનો નિર્ણય લેતાં બે મોટા અર્થતંત્રો વચ્ચેના વેપાર અંગેનો તણાવ દૂર કરવા ચીનના પ્રમુખ જિન પિંગ સાથે વાતચીત કરવાની મને કોઈ ઉતાવળ નથી, એમ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હોવાથી ટ્રેડ વૉર વધવાની ભીતિ સપાટી પર આવી હોવાથી સોનામાં સલામતી માટેની પ્રબળ માગ રહી હોવાનું ઓએએનડીએનાં માર્કેટ એનાલિસ્ટ કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું.
આ પણ વાંચો…હવે બોર્ડર પર સંકટ: બાંગ્લાદેશીઓએ સરહદ પર બીએસએફના જવાનો પર કર્યો હુમલો…
ભવિષ્યમાં જો ટ્રેડ વૉર વધુ વકરે તો ચીનની અનામત માટે સોનામાં લેવાલી વધે તો સોનાના ભાવ આૈંસદીઠ 3000 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા ટેસ્ટીલાઈવના હેડ ઈલ્યા સ્પિવિકે વ્યક્ત કરી હતી. વધુમાં અમેરિકી ફેડરલ રિઝર્વેના ત્રણ અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો અમેરિકી વહીવટીતંત્રની ટેરિફ યોજનાથી ભાવની અનિશ્ચિતતાને કારણે ફુગાવા સામેના જોખમો વધતાં વ્યાજદરમાં ધીમી ગતિએ ઘટાડો થશે.