કચ્છના શ્વેત રણ અને રોડ ટુ હેવન પર એડવેન્ચર રાઈડ કરી બાઇક રાઇડર્સે
ભુજ: અમેરિકા અને યુરોપના દેશોની જેમ ભારતમાં પણ છેલ્લા એક દાયકામાં એડવેન્ચર મોટરસાઇક્લિંગ કલ્ચર વધ્યું છે. ખાસ કરીને કાશ્મીર, લેહ-લડાખ, સિક્કિમ, જોજીલા પાસ જેવા પહાડી વિસ્તારો પ્રત્યે બાઈકર્સમાં ક્રેઝ વધ્યો છે. અફાટ રણ અને વિશાળ સમુદ્ર કિનારા ધરાવતા કચ્છમાં પણ ટુરિંગ બાઈક રાઇડનું ક્લચર રણોત્સવના આયોજન બાદ સતત વધી રહ્યું છે.
આ વર્ષે પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC (Brotherhood of Bulleteers Motorcycling Consortium”) રાઇડર મેનિયા ૨૦૨૫નું કચ્છ રણોત્સવ ખાતે આયોજન કરાયું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા બેસ્ટ ટુરિઝમ વિલેજથી સન્માનિત ભાતીગળ પ્રદેશ ધોરડો ખાતે યોજાયેલી આ મોટરસાઇક્લિંગ ઇવેન્ટમાં મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરપતદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, અરૂણાચલ તેમજ નેપાળ,ભૂટાન જેવા દેશોમાંથી મળીને અંદાજે ૨૦૦૦થી વધુ બાઇક રાઇડર્સે ભાગ લીધો હતો.
ત્રણ દિવસની આ મેગા ઇવેન્ટ દરમિયાન શોર્ટ ટ્રેક રેસિંગ, સ્લો બાઇક સ્પર્ધા અને વિન્ટેજ મોટરસાયકલ શૉમાં તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ મ્યુઝિક શૉ, સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ, દોરડાખેંચ અને આર્મ રેસલિંગ સ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકોએ હોંશભેર ભાગ લીધો હતો.
આ ઇવેન્ટના ત્રીજા દિવસે ૨૦૦ જેટલા બાઈક રાઇડર્સે પોતાની એડવેન્ચર ટૂરર, સ્પોર્ટ તેમજ નેકેડ મોટરસાઇકલો પર રોડ ટુ હેવન મારફતે ધોરડોથી ધોળાવીરા સુધીની રોમાંચક સફર ખેડી હતી.
ગુજરાતમાં એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહિત કરવા માટે કચ્છના ધોરડોમાં આયોજિત રાઇડર મેનિયામાં ભાગ લેવા અરૂણાચલથી પાંચ મહિલાઓનું અરૂણાચલ બુલેટ ક્લબ ગ્રુપ પણ આવ્યું હતું. આ ક્લબના રાખી આગમદુઈએ જણાવ્યું કે, ગત ૧૫ જાન્યુઆરીના ભારતના પૂર્વીય સ્થળ કિબિતુથી આ રોમાંચક સફરની શરૂઆત કરી હતી અને પશ્ચિમના અંતિમ છેડા કચ્છના કોટેશ્વર સુધી મોટરસાઇકલ લઇને તેઓ ક્ષેમકુશળ પહોંચી આવ્યા હતા.
મિસ ઇન્ડિયા રનર્સઅપ રેખા પાંડેએ એક બાઇકર તરીકે રાઇડમાં ભાગ લઈ જણાવ્યું હતું કે, સોલો રાઈડિંગ અને સોલો વુમન ટ્રાવેલર માટે ગુજરાત એક આદર્શ જગ્યા છે. ગુગલ મેપ જયારે રસ્તો ભટકાવી દે છે ત્યારે પ્રેમપૂર્વક ગુજરાતીઓ સાચો માર્ગ બતાવતા હતા. ઇન્દોરથી આવેલા કૃણાલ ભાટિયાએ કહ્યું કે, ગુજરાતમાં બાઇક રાઇડ કરવા ખૂબ સારા રસ્તા છે. એક-બે દીવ્યાંગ પણ બાઇક રાઇડ કરીને ધોરડો પહોંચ્યા અને કચ્છ એક્સપ્લોર કર્યું હતું.
આ પણ વાંચો…દાહોદમાં મહિલા પર અત્યાચાર મુદ્દે હાઇ કોર્ટે સરકારને રિપોર્ટ આપવા આપ્યો આદેશ
રાજ્ય સરકારના પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દ્રકુમારે રાજ્યમાં વિશ્વ સ્તરીય મજબૂત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોઈ, તમામ બાઇકર્સને દુનિયાની સૌથી સુંદર સડક અને સૌથી શાંત જગ્યાએ આ રોમાંચક સફર માટે આમંત્રણ પાઠવ્યું હતું.