ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ…

દર્શન ભાવસાર

રાજીના રેડ હોય… તો, ગ્રીન, બ્લુ કે યલો કેમ નહીં?

  • રંગ રાજીથી અપાય છે, હરાજીથી નહીં…

ઢંઢેરાને પીટવામાં આવે. તો પંપાળવામાં કેમ નહીં?

  • જેને પીટી શકાય એને પંપાળવાની આળપંપાળ શું કામ કરવી,હે?!

રાજ્યાભિષેકની જેમ ભજિયાભિષેક કરવો હોય તો?

  • એમાં ચટણીની ધાર કરવી પડે….

ભૂતકાળની જેમ પલિતકાળ કેમ નથી?

  • એ તો ભવિષ્યકાળ જ કહી શકે…

લાકડે માંકડું.. તો કૂતરા માટે શું?

  • થાંભલો….

ઘરડાં ગાડા વાળે. આવું કેમ?

  • એમની પાસે સ્કૂટર -કારનું ડ્રાઈવિંગ લાઇસન્સ નહીં હોય….

રિવર ફ્રન્ટની જેમ લવર ફ્રન્ટ કેમ બનતા નથી?

  • લવર ફ્રન્ટ છૂટાછવાયા અને છાનેછપને તો બન્યા જ છેને ?!

શેરબજારમાં તેજીને આખલો પ્રતીકરૂપે કેમ દર્શાવાય છે?

  • હારેલાં શેરબજારિયા ગાય જેવા દેખાય એટલે…

શિક્ષક હવે તોફાની છોકરાંને કેમ મારતાં નથી?

  • કારણ કે છોકરાંના બદલે હવે શિક્ષકને વધુ સજા થાય છે…

પરીક્ષા પે ચર્ચા થાય. તો પરિણામ પે ચર્ચા ક્યારે?

  • પરિણામની પોલ ઘરમાં ખૂલે એ વધુ સાં….

જમાઈ વૃદ્ધ થાય તો પણ સાસરિયામાં એને કુમાર કેમ કહે છે?

  • જતી ઉંમરે જમાઈરાજ નારાજ ન થઈ જાય એ માટે…

હું પોઝિટિવ થિન્કીંગ કં તો મનમાં ધારેલી અભિનેત્રી સાથે પરણી શકીશ?

  • અત્યારે વિચાર- વિવાહ તો કરી લો…

નેતા અલ્પજીવી કે પરોપજીવી?

  • બહુમતજીવી.

બધા વાતે વાતે વાદે ચઢે છે સૌથી સારો વાદ કયો?

  • સંવાદ…

ગાંધી મૂલ્ય કેમ ભૂલાતા જાય છે ?

  • ગાંધી છાપ નોટનું મૂલ્ય મહત્ત્વ વધ્યું છે એટલે….

અન્ડરવર્લ્ડમાં માત્ર ભાઈ કેમ, બહેન કે દીદી કેમ નહીં ?

  • અન્ડરવર્લ્ડમાં બહેન કે દીદી કહેવાથી નકામી લાગણી ઉમેરાય જાય ને `ધંધો’ મોળો પડી જાયને !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button