ઊડતી વાત : મોંઘા ભાવની બાઇક કે કાર ઘેર આરતી ઉતારવા માટે છે?
- ભરત વૈષ્ણવ
`ગિરધરભાઇ, એક પ્રશ્ન છે. તમે પરવાનગી આપો તો પૂછું.’ રાજુએ પ્રશ્ન પહેલાં પ્રસ્તાવનાની પાળ બાંધી.
અમારો રાજુ રદી વૈતાળ જેવો છે. દરિયાનું પાણી ખાલી થાય તો રાજુના પ્રશ્નો પૂરા થાય. રાજુના સવાલોના જવાબ આપતા ગૂગલબાબા પણ હાંફી જાય છે અને રાજુને હરાયા ઢોરની માફક તગેડી મુકે છે.
Also read : મેકોલે પહેલાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ હતું?
`રાજુ, હું પ્રશ્ન પૂછવાની ના પાડું તો પણ તું પ્રશ્ર પૂછ્યા વગર રહેવાનો નથી. તારા ફુગ્ગા જેવા ફૂલેલા પેટમાં પ્રશ્ન ફૂટબોલની જેમ ઊછળ્યા કરશે.. તારો સવાલ પૂછીને જવાબનો અંતિમસંસ્કાર કર.’ મેં રાજુને સવાલ કરવાની અનુમતિ આપી.
`ગિરધરભાઇ, યુવાનોએ શું કરવાનું?’ રાજુએ શાંત જળમાં કાંકરો ફેંક્યો.
`રાજુ, યુવાનોએ એમબીએ,બી ટેક, એમ ટેક, ફાર્મસી, ડોકટરી વગેરેના થોથા ફાડવાના. પછી ખભે લેધરબેગ ટીંગાડી સવારથી સાંજ બાઇક પર એક દુકાનથી બીજી દુકાન ઓર્ડરો લેવાના. નોકરા કૂટવાના. લગ્ન માટે નખરાળી ભમરાળી રૂપાળી કાળી છોકરી જોવાની.
એને ફૂલટાઇમ પ્રેમ કરવાનો. એકસ્ટ્રા ફાઈલ એટલે `જીએફ’ને પાર્ટટાઇમ પ્રેમ કરવાનો .બચ્ચા જણવાના. બચ્ચા ભણાવવાના . લાઇફ પૂરી થાય એટલે મરી જવાનું.’ મે યુવાનોની જિંદગીની કટુતમ યાત્રા જણાવી દીધી.
`એટલે યુવાનોના ઘટમાં ઘોડા થનગનતા હોય અને આતમ વીંઝે પાંખ જેવા ધોધ જેવા ધખારા ઉછાળા મારતા હોય, કોઇ દિલધડક એડવેન્ચર કરવાની ઇચ્છા હોય તો સાહસિક એકિટવિટી કરવાની જ નહીં?’ રાજુના ડસ્ટબિન જેવા મગજમાં શંકાનો કીડો સળવળ્યો.
`રાજુ, યુવાનોને હિમાલય સર કરવાની કોણ ના પાડે છે? બઝી જમ્પિંગ કરવા, મેરેથોન,હાફ મેરેથોન,સ્કૂબા ડાઇવ કરવા, પેરા ગ્લાઇડિંગ કરવાની કોણ ના પાડે છે?’ મેં રાજુને સાહસિક પ્રવૃત્તિનું લિસ્ટ થમાવી દીધું.
ગિરધરભાઇ, એ તો સમજ્યા. આપણે જે શહેરમાં રહેતા હોઈએ ત્યાં કશુંક અવનવું કરવાની હાથમાં ચળ આવતી હોય તો શું ?’ રાજુએલોકલ ધી વોકલ’ની મહેચ્છાને વાચા આપી.
Also read : અત્યાધુનિકયુગમાં વિલર એન્ડ વિલશનનાં દેશી મશીનથી સિલાઈકામ થાય છે!!!
`જો, પંજાબી રેસ્ટોરેન્ટમાં જઇ જમવા માટે કલાક -દોઢ કલાકનું વેઇટિંગ કરવું ને એ પછી ગોદડા જેવા પંજાબી નાન ચાવવી એ પણ એડવેન્ચર એકિટવિટી છે. પત્નીએ યુટયુબની રેસિપીના સહારે અને આધારે મોડર્ન આર્ટ જેવી બનાવેલી વાનગીને પેટ નામની પ્રયોગશાળામાં પધરાવી બીજા દિવસે આંધી, તોફાન, વાયુ ગગડાટ માટે જખ મારીને તૈયાર રહેવું એ પણ દુસાહસિક એકિટવિટી છે.’
`ગિરધરભાઇ, તમે કરવા જાવ છો કોમેડી ને પણ કરી નાખો છો ટે્રજેડી…..હું સિરિયસ વાત કરું છું અને તમે…. યાર,. ક્યારેક તો ઉરાંગઉટાંગવેડા છોડી સિરિયસ બનો.’ રાજુએ મને ધોઈ નાખ્યો.
`સોરી.,બોલ, રાજુ શું કહેવા માગે છે?’
ગિરધરભાઇ. સિટી સ્માર્ટ હોય કે ગર્દાબાદ હોય. ફૂટપાથ હોય, રોડ ડિવાઇડર હોય, ટ્રાફિક આઇલેન્ડ હોય છે. સિગ્નલ હોય, સર્વિસરોડ હોય, સાઇકલ ટે્રક હોય છે. અરે, જૈન મહારાજ-સતીજીના વિહાર માટે અમદાવાદ શંખેશ્વર વચ્ચે પગદંડી કરવા સરકારે જાહેરાત કરેલી. પગદંડીનું નિર્માણ થયું કે ન થયું એ રામ જાણે, પરંતુ આપણા હાઈ-વે તો , સ્ટન્ટ ટે્રક કે સ્ટન્ટપથ હોય છે ખરો? રાજુએ મૂળભૂત સવાલ ઉઠાવ્યો.
`રાજુ,સ્ટન્ટ હાઇવે કે સ્ટન્ટ ટે્રક બન્યો હોય તેવું જાણ્યું કે સાંભળ્યું નથી.’
`ગિરધરભાઇ, આ જ રામાયણ છે. યુવાનો સાહસી થાય, યુવાનો આંતરરાષ્ટ્રીય તો સમજ્યા પણ લોકલ લેવલે ઝળકે તેની કોઇને તમા, ચિંતા કે પરવા જ નથી. યુવાનો મસાલા-માવા ખાઉ,શરાબ પી,બીડી-સિગારેટ ફૂંકી યુવાની વેડફી રહ્યા છે.’ રાજુએ યુનિયન લીડર જેવું સ્ફોટક પ્રવચન ઠપકાર્યું.
`રાજુ, એવું નથી.યુવાનોને દિલધડક કરતબના કરતૂત કરવા હોય તો અગ્નિપથ યોજનામાં ભરતી થઇને ચીન બોર્ડરે લડવા જાય. પરેડમાં લશ્કરના જવાનો દિલધડક, હેરતઅંગેજ, સાહસિક કારનામા કરે છે..મેળામાં બાઇકસવાર કે કારચાલક મોતના કૂવામાં કરતબ કરે છે…’
`ગિરધરભાઇ, આપણો સમાજ તમે જણાવેલી સાહસિક પ્રવૃત્તિની પ્રશંસાત્મક નોંધ લઇ તેને બિરદાવે છે, પરંતુ સ્વખર્ચે, સ્વજોખમે સ્વનુકસાને એ પણ મોડી રાત્રે સ્ટન્ટના દિલધડક ખેલ કરે તો પોલીસ તેવા સાહસિકોને પકડી જેલની સલાખોમાં ધકેલી દે છે. હવે, તો સ્ટન્ટ કરવામાં મહિલાઓ પણ ખભેખભા મિલાવી પુરુષ સમોવડી બનવા માંડી છે. આપણા અમદાવાદમાં એક કયુટ કોલેજિયન ગર્લે સ્વનિર્ભર સ્ટન્ટ કરેલાં . આવા સ્ટન્ટ કરવા સરકાર સબસીડી કે ગ્રાન્ટ આપતી નથી. સ્ટન્ટશ્રી કે સ્ટન્ટરત્ન જેવા એવોર્ડ આપતી નથી.
આવો ડાબી-જમણી કે ઓગણીસ-એકયાશીનો અન્યાયી ભેદભાવ શા માટે? સ્ટાર્ટઅપ પ્રોજેકટના લિસ્ટમાં સ્ટન્ટનો કેમ સમાવેશ કરવામાં આવતો નથી ? ઊલ્ટાનું સરકાર ચલાવનારા સ્ટન્ટ સિવાય શું કરે છે? યુવાનો સ્ટન્ટ કરે તો કેરેકટર ઢીલા અને સરકાર કરે તે સાહસ? ‘ રાજુએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો!
Also read : માર્ગ અને મકાન વિભાગનાં રોજબરોજનાં કામ અંગે કોને ફરિયાદ કરવી?
રાજુ, કોઇ વ્યક્તિ સાડા સાત લાખ રૂપિયાનું હાર્લી ડેવિડસન બાઇક ખરીદે, થાર કે ફોર્ચ્યુનર કે એસયુવી કાર ખરીદે તો અગરબત્તી અને ધૂપદાની કરવા માટે ખરીદતી હશે? મિનિટમાં એકસોવીસની સ્પિડની થ્રીલ લેવા રોડ પર જ વાહન ચલાવવું પડે કે નહીં? બાઇક પર ઊભા થઇ બાઇક ચલાવવી, પાણીના રેલાની જેમ સર્પન્ટ સ્ટાઇલથી ગાડી કે બાઇક ચલાવવી એ બિગડેલ બાપની બિગડેલ ઓલાદનો હક્ક બનતા હૈ કે નહીં? દોઢસોની સ્પિડે ચાલતી બાઇકમાં બ્રેક મારી બાઇકને સ્કિટ કરવાની થ્રીલ અને એકસાઇચમોન્ટ પંદરની સ્પિડે બાઇક કે ગાડી ચલાવનાર શું જાણે?અમે નિર્દોષ છૂટાછેડા જેવા નિર્દોષ સ્ટન્ટની ખુલેઆમ ફેવર કરી!’
`ગિરધરભાઇ, સ્ટન્ટ કરવાને પ્રોત્સાહન આપવાનો બદલે સ્ટન્ટ નિષેધ કરવાનું શું પરિણામ આવે ?’ રાજુએ વધુ એક સવાલ પૂછયો.
`રાજુ, મારી વાત સોના, ચાંદી કે તાંબાના પતરે લખી રાખજે કે જ્યારે જ્યારે સ્પ્રિંગની માફક યુવાનોને સ્ટન્ટ કરવાના બંધારણીય અધિકારોથી વંચિત રાખવામાં આવશે ત્યારે તથ્ય કે વિસ્મય જેવા જલજલા ઘરે ઘરે પેદા થશે.’
મારી આ નોસ્ટ્રોડોમસ જેવી સ્ટન્ટ વાણી ભરી આગાહી સાંભળી રાજુ રદી ખખડધજ સાઇકલ લઇ ઇન્સ્ટન્ટ સ્ટન્ટ કરવા સીધો રોડ પર ધસી ગયો.!
Also read : ગરીબોથી અમીરોની રસોઇનો રાજા તીખું લાલ ચટક મરચું!