ગુડ ન્યુઝ: બીએમસીએ બજેટમાં રાતી પાઈનોય બોજ મુંબઈગરા પર ન નાખ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૫-૨૬ કોઈ પણ પ્રકારના કરવેરામાં વધારો નહીં કરતા ૭૪,૪૨૭.૪૧ કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું સૌથી મોટું ૬૦.૬૫ કરોડ રૂપિયાની પુરાંત સાથેનું બજેટ મંગળવારે કમિશનર ભૂષણ ગગરાણીએ જાહેર કયુર્ં હતું. બજેટમાં પાલિકાએ પાયાભૂત સેવા સુવિધા, ગુણવત્તાપૂર્વક શિક્ષણ, સ્વચ્છતા,સામાજિક ઉપક્રમ વગેરે પર ભાર આપ્યો છે. પાલિકાએ પોતાના પ્રોેજેક્ટને પૂરા કરવા માટે તેમ તમામ પ્રકારના ખર્ચા માટે બહારથી કોઈ પણ પ્રકારની લોન નહીં લેતા ૧૬,૬૯૯ કરોડ રૂપિયા ઈન્ટરનલ ટેમ્પરરી ટ્રાન્સફર (આઈટીટી) કરીને લીધું છે. આમ મહાનગરપાલિકાએ એકેય પૈસાનો નવો બોજ મુંબઈગરા પર નથી નાખ્યો.
Also read : બેસ્ટને મળી રૂ. 1000 કરોડની ગ્રાંટ
ભૂષણ ગગરાણીએ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું, જે વર્તમાનમાં ચૂંટાયેલા નગરસેવકોની ગેરહાજરીમાં સતત ત્રીજું બજેટ છે. ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષનું બજેટ ૨૦૨૪-૨૫ના ૬૫,૧૮૦.૭૯ કરોડ રૂપિયાના સુધારિત બજેટ કરતા ૧૪.૧૯ ટકા વધારે છે. પાલિકાએ પોતાના મહેસૂલ ખર્ચને ૭૫ ટકાથી ઘટાડીને ૪૨ ટકા કર્યો છે, જેનાથી પગાર અને વહીવટી ખર્ચમાં ઘટાડો થયો છે.
નવા નાણાકીય વર્ષમાં કોઈ પણ નવા પ્રોજેક્ટની જાહેરાત નહીં કરતા જૂના પ્રોજેક્ટને પૂરા કરવા પર ધ્યાન અપાશે. બજેટમાં ૪૩,૧૬૨ કરોડ રૂપિયા શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે ખાડામુક્ત રસ્તા બનાવવા માટે સિમેન્ટ-કૉંક્રીટના રસ્તા, પુલના સમારકામ, નવા પુલના બાંધકામ, બહુસ્તરીય ઓટોમેટિક પાર્કિંગ લોટ, ટ્રાફિકની સમસ્યાના ઉકેલ લાવવા માટે કોસ્ટલ રોડ (ઉત્તર) પ્રોજેક્ટ અને ગોરેગામ-મુલુંડ લિંક રોડ, દહિસર પશ્ર્ચિમથી ભાયંદર (પશ્ર્ચિમ) સુધીનો એલિવેટેડ રોડ, પાણીપુરવઠો અને સ્યુએજનાં કામ, સમાન પાણી ધોરણ, સાત સ્યુએજ ટ્રીટમેન્ટમેન્ટ પ્લાન્ટ, પ્રોજેક્ટથી અસરગ્રસ્ત લોકો માટે દરેક ઝોનમાં પાંચથી છ હજાર ઘર ઊભા કરવા પર ધ્યાન અપાશે.
મુંબઈગરાના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલ, હાલની હૉસ્પિટલોનાં રીનોવેશન, આપલા દવાખાનાની સંખ્યા વધારવામાં આવશે . પાલિકાની સ્કૂલના સમારકામ તેમ જ ડિજિટલ શિક્ષણ પર પણ ભાર આપવામાં આવશે.
પાલિકાએ પ્રદૂષણને રોકવા માટે આવશ્યક ઉપાયયોજના, સ્વચ્છ ભારત અભિયાન, દેવનાર ડમ્પિંગ ખાતે કચરામાંથી વીજળીનું ઉત્પાદન, કાટમાળનો નિકાલ, ડમ્પિંગ ગ્રાઉન્ડની જગ્યાને કચરામુક્ત કરને તે જગ્યાનો ઉપયોગ કરવો, પૂર પરિસ્થિતિને રોકવા માટે ઉપાયયોજના કરવી, ફાયરબિગ્રેડમાં સુધારો, શહેરમાં ખુલ્લા મેદાનોમાં હરિયાળી વધારવી, દિવ્યાંગ વ્યક્તિઓ માટે યોજના, બેરોજગાર મહિલાઓ માટે સ્વયંરોજગાર યોજના, પાલિકાની માર્કેટના રિડેવલપમેન્ટ તેમ જ બેસ્ટને ૧,૦૦૦ કરોડ રૂપિયાની જંગી સહાય વગેરેને સમાવેશ થાય છે.
Also read : મહારાષ્ટ્ર તમને ક્યારેય માફ નહીં કરે, રાહુલ ગાંધી પર વરસ્યા ફડણવીસ
વહીવટી ખર્ચમાં ઘટાડયો, મૂડી ખર્ચ વધાર્યો
પાલિકાએ શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને વહીવટી ખર્ચમાં ૭૫ ટકાથી ઘટાડીને ૪૨ ટકા કર્યો છે. પાલિકાની આવકનો મુખ્ય સ્રોત્ર પ્રોપર્ટી ટેક્સ રહ્યો છે, જેમાં વધારો કરવાનો બાકી છે. જોકે પાણીવેરામાં આઠ ટકાનો વધારો અપેક્ષિત છે, છતાં અન્ય કોઈ નવા કરવેરા લાગુ કરવામાં આવ્યા નથી. પાલિકા ‘સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ચાર્જ ’ રજૂ કરવાની યોજના ધરાવે છે અને વધારાના ૩૫૦ કરોડ રૂપિયાની આવક ઊભી કરવા માટે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા કમર્શિયલ બાંધકામ પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા માટે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સર્વે કરી રહી છે. આ સાથે જ બીએમસીનો મૂડી ખર્ચ પચીસ ટકાથી વધીને ૫૮ ટકા થયો છે.
ઝૂંપડપટ્ટી પર પ્રોપર્ટી ટેક્સ
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈગરા પર કોઈ પણ પ્રકારનો કરવેરો નાંખ્યો નથી. પરંતુ પોતાની આવક વધારવા માટે ઝૂંપડપટ્ટીમાં રહેલા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ પર પ્રોપર્ટી ટેક્સ લાગુ કરવાની યોજના બનાવી છે. તે માટે હાલ પાલિકા દ્વારા મુંબઈના જુદા જુદા વિસ્તારમાં સર્વેક્ષણનું કામ ચાલી રહ્યું છે. પાલિકા કમિશનરના કહેવા મુજબ જે-જે વિસ્તારમાં સર્વેક્ષણનું કામ પૂરું થતું જશે અને જે લોકો ટેક્સ સ્લેબમાં આવતા હશે તે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સંબંધિતોને પ્રોપર્ટી ટેક્સ લાગુ કરવામાં આવશે.
ટેક્સ નથી વધાર્યો છતાં ભંડોળ કયાંથી આવશે?
પાલિકા કમિશનરે બજેટમાં મહેસૂલ વધારવા પર ભાર આપતા ડેવલપમેન્ટ પ્લાન ડિપાર્ટમેન્ટ (ડીપી) ખાતા પાસેથી ૯,૭૦૦ કરોડ રૂપિયાની આવક પ્રસ્તાવિત કરી છે. પ્રોપર્ટી ટેક્સ ૫,૨૦૦ કરોડ રૂપિયા પ્રસ્તાવિત કર્યો છે. આવકનો મુખ્ય સ્રોત પ્રોપર્ટી ટેક્સ છે. છતાં છેલ્લા એક દાયકામાં તેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેમ જ બજેટમાં પ્રોપર્ટી ટેક્સ અથવા વોટર અને સ્યુએજ ટેક્સમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી સ્પષ્ટતા કમિશનરે કરી છે. ઈન્વેસ્ટમેન્ટ પરના ઈન્ટરેસ્ટના માધ્યમથી ૨,૨૮૩.૮૯ કરોડ રૂપિયા, વોટર એન્ડ સીવરેજ ચાર્જીસના માધ્યમથી નવા આર્થિક વર્ષમાં ૨,૩૬૩.૧૫ કરોડ રૂપિયાની આવક અપેક્ષિત કરી છે. સરકાર પાસેથી ગ્રાન્ટના માધ્યમથી ૧,૩૨૫ કરોડ રૂપિયા, ફાયરબ્રિગેડ ડિપાર્ટમેન્ટ પાસેથી ૭૫૯.૧૮, લાઈસન્સ ડિપાર્ટમેન્ટ પાસેથી ૩૬૨ કરોડ રૂપિયા, રોડ અને બ્રિજ ડિપાર્ટમેન્ટ પાસેથી ૫૩૨.૪૩ કરોડ રૂપિયા વધારાની એફએસઆઈના માધ્યમથી ૩૦૦ કરોડ રૂપિયા અને ખાલી પડેલા પ્લોટને ભાડે આપીને ૨૦૦ કરોડ રૂપિયા ભેગા કરવાની પણ યોજના છે. રાજ્ય સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટ પાસેથી ગ્રાન્ટ ઈન-એઈડ, પ્રોપર્ટી ટેક્સ અને અન્ય ચાર્જીસના બાકી લેણાને પણ પાલિકાએ વસૂલ કરવાના બાકી છે, જે ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૯,૭૫૦.૨૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા છે.