“અગ્નિપરીક્ષા” બાદ લિબિયામાં ફસાયેલા 18 નાગરિકોની વતન વાપસી
નવી દિલ્હી: પોતાના અને પરિવારના સપના પૂરા કરવા માટે પૈસા કમાવવા લિબિયા ગયેલા અને બંધક બનાવવામાં આવેલા ઉત્તર પ્રદેશ, બિહારના 18 યુવાનોના ભારત પરત ફરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કામના લાંબા કલાકો, અનિશ્ચિત શિફ્ટ અને અનિયમિત પગારનો વિરોધ કરવા બદલ તેઓની હાલત જેલ જેવી થઈ ગઈ હતી. હવે આ યુવાનો આવતીકાલે 5 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે નવી દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે.
આવતીકાલે આવશે ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર પોસ્ટ કરીને માહિતી આપતા કહ્યું હતું લે લિબિયામાં ભારતીય દૂતાવાસે બેનગાઝીથી 18 ભારતીય નાગરિકોને પરત લાવવામાં મદદ કરી છે. તેઓ આવતીકાલે ભારત પહોંચશે. તેઓ અહીથી લિબિયામાં કામ કરવા ગયા હતા અને ઘણા અઠવાડિયાથી ફસાયા હતા. દૂતાવાસે સ્થાનિક અધિકારીઓ સાથે રહીને કામ કર્યું અને ભારતીય કામદારોને જરૂરી અધિકૃતતા અને મુસાફરી દસ્તાવેજો પહોંચાડવામાં મદદ કરી.
કેસની તપાસ દરમિયાન દૂતાવાસે કરી મદદ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમના કેસની તપાસ ચાલી રહી હતી, ત્યારે દૂતાવાસ તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે સતત તેમના સંપર્કમાં રહ્યું હતું, તેમને રોજિંદા જીવનની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં મદદ કરી હતી. એ જ જૂથના ત્રણ અન્ય ભારતીય નાગરિકો દૂતાવાસની મદદથી ગયા ઓક્ટોબરમાં ભારત પરત ફર્યા હતા.
લિબિયન અધિકારીઓનોનો આભાર માન્યો
વિદેશ મંત્રાલયે લિબિયન અધિકારીઓનોનો આભાર માન્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે લિબિયન અધિકારીઓના સમર્થન અને સહકાર બદલ આભાર. ભારત સરકાર વિદેશમાં રહેતા તમામ ભારતીયોના કલ્યાણ અને સલામતી માટે પ્રતિબદ્ધ છે.
13 શ્રમિકો ગોરખપુરના
અંગ્રેજી મીડિયાના અહેવાલ અનુસાર 16 શ્રમિકોમાંથી 13 શ્રમિકો પૂર્વી ઉત્તર પ્રદેશના ગોરખપુરના છે. બાકીના ત્રણ કામદારો પશ્ચિમ બિહારના હોવાની વિગતો મળી રહી છે. તેઓ નકલી ભરતી એજન્ટોના નેટવર્કનો શિકાર બન્યા હતા. બેરોજગાર અને ગ્રામીણ શ્રમિકોને પશ્ચિમ એશિયા અને ઉત્તર આફ્રિકામાં ઊંચા પગારવાળી નોકરીઓનું વચન આપીને લલચાવ્યાં હતા.