અમદાવાદ: ગુજરાતમાં હાલ એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે. 21 જાન્યુઆરીના રોજ રાજ્ય ચૂંટણી કમિશનર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો કાર્યક્રમ પત્રકારપરિષદ યોજીને જાહેર કરવામાં આવ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ હતી, જ્યારે આજે 4 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ હોય આજના દિવસ સુધીમાં અમુક ફોર્મ રદ્દ થવા તો અમુક જગ્યાએ ફોર્મ પરત ખેંચવાથી 70 થી પણ વધુ બેઠકો બિનહરીફ થઈ ગઈ છે.
ભાણવડમાં AAPના તમામ ઉમેદવારના ફોર્મ રદ્દ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ 8 ઉમેદવારોના ફોર્મ રદ્દ ક દેવામાં આવ્યા છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીપંચમાં ફરિયાદ કરવામાં આવી છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને ભાજપ પર પ્રહારો કર્યા અને સરારના મંત્રી મુળુભાઈ બેરાના ઈશારે ફોર્મ રદ્દ કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ કર્યો છે.
ધોરાજીમાં પંજાને ઝટકો
રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. અહી કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં અવગણના કરી હોવાના આક્ષેપ સાથે શહેર યુથ કોંગ્રેસના પ્રમુખે જ પક્ષ પલટો કરી આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું છે. તે ઉપરાંત પૂર્વ કોર્પોરેટરના પતિ પણ આપમાં જોડાયા છે. કોંગ્રેસ ઉપપ્રમૂખે પણ પંજાનો સાથ છોડી દીધો છે.
હાલોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય તે પૂર્વે જ પંચમહાલ જિલ્લાની હાલોલ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડના 36 બેઠકોમાંથી 20 બેઠકો બિન હરીફ થઈ જતા ભાજપે ચૂંટણી પહેલા જ હાલોલ પાલિકાની સત્તા કબજે કરી છે. હાલોલ નગરપાલિકાના નવ વોર્ડમાં 72 ફોર્મ ભરાયા હતા. જે પૈકી પાંચ ફોર્મ અમાન્ય થયા હતા. જો કે 13 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચતા 14 ઉમેદવારો બિનહરીફ થયા છે.
જૂનાગઢમાં ચૂંટણી પહેલા 8 બેઠક બિનહરીફ
ગઇકાલે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રસને જબ્બર આંચકો લાગ્યો હતો. જૂનાગઢ મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર 14માંથી કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધા હતા. આથી જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 60 માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિન હરીફ થઇ હતી. ભાજપની આ જીતની શહેર ભાજપ પ્રમુખે સત્તાવાર માહિતી આપી હતી. તે ઉપરાંત અમદાવાદ જિલ્લાના દસ્કોઇ તાલુકા પંચાયતની વાંચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું હતું. આથી અહી પણ ભાજપના ઉમેદવારને બિનહરીફ જીત મળી છે.
આ પણ વાંચો : દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો કાયમઃ બીજા નંબરે મહારાષ્ટ્ર
કોંગ્રેસના પાંચ જેટલા ઉમેદવારો સંપર્ક વિહોણા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે વલસાડ જિલ્લામાં જબ્બર પોલિટીકલ ડ્રામા જોવા મળ્યો છે. અહી ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પાંચ જેટલા ઉમેદવારો સંપર્ક વિહોણા બની ગયા છે. પોલિટિકલ ડ્રામાને પરિણામે રાજકીય ગરમાવો સર્જાયો છે. પોતાના ઉમેદવારોને શોધવા માટે કોંગ્રેસે પણ પોતાની મહેનત આદરી છે.
હળવદમાં કોંગ્રેસ માંગ્યું પોલીસ રક્ષણ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પૂર્વે જ હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખે પોલીસને લેખિત અરજી આપીને રક્ષણની માંગ કરી છે. તેમણે પોલીસને જણાવ્યું છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ટેકેદારોને ભાજપના અમુક લોકો ધમકી, પ્રલોભન આપી રહ્યા છે અને તેના પરિવારના સભ્યોને આવી ધમકીથી ભયનો માહોલ ઉભો થયો છે. તેમણે વોર્ડ નં 1 થી 7 ના તમામ ઉમેદવારો અને ટેકેદારોને પોલીસ રક્ષણ આપવા માંગ કરવામાં આવી છે.
ભચાઉમાં ભાજપના 21 ઉમેદવાર બિનહરીફ
બીજી તરફ કચ્છના રાજકારણના પણ નવાજૂનીના વાવડ છે. અહી ભચાઉ નગરપાલિકામાં ભાજપના 21 ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. અહી કુલ 28 બેઠક પર ચૂંટણી પ્રક્રિયા યોજવાની હતી પરતું ભાજપના 21 ઉમેદવાર બિનહરીફ વિજેતા થઈ જતા હવે માત્ર 7 બેઠક પર ચૂંટણી યોજાશે.