Cryptocurrencyના રોકાણકારો નિરાશ, ડોનાલ્ડ ટ્રમ્પના મીમ કોઈન ક્રેશમાં 10 બિલિયન ડોલરનું ધોવાણ
નવી દિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા રાષ્ટ્રપતિ બનતા જ ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency) બજારમાં તેજી જોવા મળવાની વાતો પોકળ સાબિત થઈ છે. જેમાં હાલમાં જ ક્રિપ્ટોકરન્સી ટ્રમ્પ મીમ કોઈનના રોકાણકારો રાતે પાણીએ રડ્યા છે. ક્રિપ્ટોકરન્સી ટ્રમ્પ મીમ કોઈનની કિંમત તેના ઉચ્ચતર સ્તરથી 75 ટકા સુધી ઘટીને 18.92 ડોલર થઈ ગઈ છે. જેમાં અત્યાર સુધી 10 બિલિયન ડોલરનું ધોવાણ થયું છે.
ક્રિપ્ટોકરન્સી ટ્રમ્પ મીમની શરૂઆત 7 ડોલરથી થઇ હતી
આ ક્રિપ્ટોકરન્સી ટ્રમ્પ મીમ 17 જાન્યુઆરી 2025 ના રોજ લોન્ચ થતાં જ ક્રિપ્ટો માર્કેટમાં હલચલ મચાવી દીધી હતી. તેની શરૂઆતની કિંમત લગભગ 7 ડોલરે થઈ હતી અને થોડા કલાકોમાં તે 8000 ટકા વધીને 74.85 ડોલરના તેની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગઈ હતી. આ તેજીએ રોકાણકારોને આકર્ષ્યા અને ઘણા લોકોએ તેમાં રોકાણ કર્યું. પરંતુ તેની બાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
કિંમતમાં 30 ટકાથી વધુનો ઘટાડો થયો
આ મીમ કોઈનની કિંમતમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે. સૌ પ્રથમ બજારમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓનો અંત અને રોકાણકારોનો વિશ્વાસ ગુમાવવો એ મુખ્ય કારણ છે. તાજેતરના દિવસોમાં, ટ્રમ્પ મીમ કોઈનની કિંમત 24 કલાકમાં 24 ટકા ઘટી ગઈ છે જે સ્પષ્ટ કરે છે કે રોકાણકારો હવે આ ક્રિપ્ટોકરન્સી પર વિશ્વાસ કરતા નથી. છેલ્લા એક અઠવાડિયામાં તેની કિંમતમાં 30 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
માર્કેટ કેપ ઘટીને લગભગ 3.77 ડોલર બિલિયન થયું
આ ઘટાડાને કારણે રોકાણકારોને ગંભીર નુકસાન થયું છે જેમણે તેને ઉચ્ચ ભાવે ખરીદ્યો હતો. હાલમાં ટ્રમ્પ મીમ કોઈનનું માર્કેટ કેપ ઘટીને લગભગ 3.77 ડોલર બિલિયન થઈ ગયું છે. જે લોકોએ તેના લોન્ચ સમયે રોકાણ કર્યું હતું તેઓ હવે મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચો…Trade war: ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરીફ લાદ્યો, યુએસ કંપનીઓ સામે તપાસ…
સમગ્ર ક્રિપ્ટો બજારની સ્થિતિનો ચિતાર
ટ્રમ્પ મીમ કોઈનનો ઘટાડો ફક્ત તેની સ્થિતિ જ નહીં પરંતુ સમગ્ર ક્રિપ્ટો બજારની સ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે. તાજેતરના દિવસોમાં અન્ય મુખ્ય ક્રિપ્ટોકરન્સીના ભાવમાં પણ ઘટાડો થયો છે. નિષ્ણાતો માને છે કે ક્રિપ્ટો માર્કેટમાં સટ્ટાકીય પ્રવૃત્તિઓની અસર અને સરકારી નીતિઓની અસર આ ઘટાડા માટે મુખ્ય કારણો છે. ડોનાલ્ડ ટ્રમ્પના મીમ કોઈન લોન્ચ સમયે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ વર્તમાન પરિસ્થિતિએ તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.