મુંદરાની યુવતીએ આવી રીતે જીવન ટૂંકાવતા અરેરાટી
ભુજઃ સીમાવર્તી કચ્છમાં અપમૃત્યુના વણથંભ્યા બનાવોનો સિલસિલો યથાવત હોય તેમ એક ૨૦ વર્ષની યુવતી સહીત ત્રણ લોકોના અકાળે મોત નિપજતાં પંથકમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
બંદરીય મુંદરા તાલુકાના લાખાપર ગામમાં રહેતી ટ્વિન્કલ ખેતશીભાઈ માહેશ્વરી નામની ૨૦ વર્ષીય યુવતીએ જ્વલનશીલ પદાર્થ વડે પોતાને આગ ચાંપી આત્મઘાતી પગલું ભરી લીધું હતું, નખત્રાણા તાલુકાના નાના કાદિયામાં પ્રીતિબેન ગોવિંદભાઈ પારાધી (ઉ.વ. ૩૧) નામની પરિણીતાએ કોઈ અકળ કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જયારે અંજારના વરસામેડી ખાતે નર્મદા કેનાલમાં ડૂબી જતાં પવનકુમાર કિશોરીરામ (ઉ.વ. ૨૧)નું મોત થયું હતું.
આ પણ વાંચો: મુંદરા બંદરેથી ફરી મળ્યો અખરોટના નામે મોકલેલો 30 કરોડ સોપારીનો જથ્થો
પોલીસના જણાવ્યા મુજબ, લાખાપરમાં રહેતી ટ્વિંકલ પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણે કલરમાં મિલાવવાના ટર્પેન્ટાઈનને પોતાના શરીરે છાંટી સળગાવી લીધી હતી. આ યુવતીએ કયા કારણે આવું અંતિમ પગલું ભર્યું તે જાણવા પ્રાગપર પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાતનો વધુ એક બનાવ નખત્રાણાના નાના કાદિયામાં બન્યો હતો જેમાં પ્રીતિ નામની પરિણીતાએ પોતાના ઘરમાં લોખંડની આડીમાં બાંધેલા રસા વડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતાં નખત્રાણા પોલીસે તપાસ શરૂ કરી છે.
દરમ્યાન, વરસામેડી ગામમાં ચૌધરી કોલોની-૧માં રહેનાર પવનકુમાર નામનો યુવાન શ્રમિક વેલસ્પન ગેટ પાસે આવેલી નર્મદા કેનાલમાં નાહવા પડયો હતો. અચાનક પાણીમાં ગરકાવ થતાં તેનું ડૂબી જવાથી મોત નિપજતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.