નવી દિલ્હીઃ દેશની સર્વોચ્ચ અદાલત આજે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની વિનંતી કરતી અરજીઓ પર પોતાનો મહત્વપૂર્ણ નિર્ણય આપવા જઈ રહી છે. આ પહેલા મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
મે મહિનાની શરૂઆતમાં, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે લગભગ 10 દિવસ સુધી સુનાવણી કર્યા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ અરજીઓની સુનાવણી કરનાર જજોની બેન્ચમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ એસઆર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે.
સમલૈંગિક લગ્નને લઇને કેન્દ્ર સરકાર આકરા પાણીએ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરીને તમામ 15 અરજીઓનો વિરોધ કર્યો છે. કેન્દ્રએ કોર્ટને એમ કહ્યું હતું કે સમલૈંગિક લગ્નને મંજૂરી આપી શકાય નહીં. આ ભારતીય પરિવારના અવધારણાની વિરુદ્ધ છે.
તેને સમલૈંગિક લગ્નના મુદ્દે સાત રાજ્યો તરફથી જવાબો મળ્યા છે અને રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને આસામની સરકારોએ સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની અરજીકર્તાઓની અરજીનો વિરોધ કર્યો છે.. સુપ્રીમ કોર્ટે 18 એપ્રિલે આ કેસની સુનાવણી શરૂ કરી હતી. મોદી સરકારનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે આ બાબત સંસદ પર છોડી દેવી જોઈએ. સુનાવણી દરમિયાન સરકાર વતી કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જૈવિક પિતા અને માતા બાળકને જન્મ આપી શકે છે, આ કુદરતી નિયમ છે, તેની સાથે છેડછાડ ન થવી જોઈએ. સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવે તો પણ પુરુષ-પુરુષના લગ્નમાં પત્ની કોણ હશે?
કેન્દ્રએ કોર્ટને સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવવા અંગેની અરજીઓમાં ઉઠાવેલા પ્રશ્નોને સંસદમાં છોડી દેવા અંગે વિચારણા કરવા વિનંતી કરી હતી. હવે આ અંગે સુપ્રીમ કોર્ટ શું ફેંસલો આપે છે એના પર સહુની નજર છે.
આપની જાણ ખાતર કે ભારત પહેલાં 34 એવા દેશ છે, જ્યાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવી ચુકી છે. 23 દેશોએ કાયદો બનાવી સેમ સેક્સ મેરેજને રાષ્ટ્રીય સ્તર પર કાયદાકીય માન્યતા આપી છે. તેમાં ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડ પણ સામેલ છે. 10 દેશોએ કોર્ટના ચુકાaદા બાદ સમલૈંગિક લગ્નને કાયદેસર કરી દીધા છે. ઓસ્ટ્રેયા, બ્રાઝીલ, ઇક્વાડોર, કોલંબિયા, કોસ્ટા રિકા, મેક્સિકો અને સ્લોવેનિયાએ સંસદના માધ્યમથી તેને રાષ્ટ્રીય કાયદો પણ બનાવ્યો હતો. અમેરિકાએ 2015માં પોતાના દેશમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપી હતી.
જોકે, દુનિયામાં કેટલાક એવા દેશો પણ છે જ્યાં સમલૈંગિક સંબંધ ધરાવનારાઓને સજા આપવામાં આવે છે. દુનિયામાં પાંચ દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સંયુક્ત અરબ અમીરાત, કતર અને મોરિટાનિયામાં સમલૈંગિક સંબંધો પર મોતની સજા આપવામાં આવે છે.