ગુજરાતમાં આજે યુસીસીની થશે જાહેરાત?
અમદાવાદઃ ગુજરાત સરકાર આજે રાજ્યમાં યુસીસી ધારો લાગુ કરવાની મહત્વની જાહેરાત કરે તેવી સંભાવના છે. આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદને સંબોધવાના છે. આ પરિષદમાં રાજ્યભરમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જાહેરાત થઈ શકે છે અથવા તો આ માટે અભ્યાસ કરવા સમિતિ ના ગઠન ની જાહેરાત થવાની પૂરી શકયતા છે જોકે આ મામલે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી, પરંતુ રાજ્ય સરકાર આવી જાહેરાત કરવાની તૈયારીમાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. તાજેતરમાં જ ઉત્તરાખંડ સરકારે યુસીસી જાહેર કર્યો છે.
Also read : ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું આ સ્ફોટક નિવેદન
શું છે યુસીસી
સમાન નાગરિક સંહિતા સમગ્ર દેશ માટે એક કાયદો સુનિશ્ચિત કરશે, જે તમામ ધાર્મિક અને આદિવાસી સમુદાયોને તેમની વ્યક્તિગત બાબતો જેમ કે મિલકત, લગ્ન, વારસો અને દત્તક વગેરેમાં લાગુ પડશે. આનો અર્થ એ થયો કે ધર્મ પર આધારિત હાલના અંગત કાયદાઓ, જેમ કે હિંદુ મેરેજ એક્ટ (1955), હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ (1956) અને મુસ્લિમ પર્સનલ લો એપ્લિકેશન એક્ટ (1937) લાગુ રહેશે નહીં.
દેશમાં આ મામલે ઘણી ચર્ચા અને વિવાદો ચાલી રહ્યા છે. ભાજપના 2019ના ચૂંટણી ઢંઢેરાનું આ એક મહત્વનું વચન હતું. જોકે આ મામલે રાજ્યોને પણ અમુક સત્તાઓ આપવામાં આવે છે અને તેના લીધે અમુક વ્યવહારિક અડચણો ઊભી થવાની પણ સંભાવના છે.