Delhi Election : દિલ્હીની 12 બેઠક પર આપ અને કોંગ્રેસે વચ્ચે કાંટાની ટક્કર, દલિત-મુસ્લિમ વોટ નિર્ણાયકv
નવી દિલ્હી : દિલ્હીમાં વિધાનસભાની(Delhi Election)ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દિલ્હીની 70 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ છે. જેમાં આ ચૂંટણીનું પરિણામ 8 ફેબ્રઆરીના રોજ જાહેર થવાનું છે. જોકે, આ ચૂંટણીમ 70 માંથી 12 બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની કાંટાની ટક્કર થવાની છે. કોંગ્રેસે આ વિધાનસભા ચૂંટણી 30 બેઠક પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેના લીધે ગુમાવેલો જનાધાર પરત મેળવી શકે.
દિલ્હીની 12 બેઠકો પર આપનો ભારે પ્રભાવ
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં 12 બેઠક એવી છે જેમાં કોંગ્રેસ અને આપ આમને સામને છે. જેમાં કોંગ્રેસે આ વખતે વ્યૂહાત્મક રીતે ચૂંટણી પ્રચાર કર્યો છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ દલિત અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પ્રચાર કર્યો હતો અને આ રેલીઓમાં તેમણે બંધારણની સાથે અનામત જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાહુલ ગાંધીએ 2020 માં દિલ્હી રમખાણોથી પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી જેથી દલિત-મુસ્લિમ મતદારોને તેમના પક્ષમાં લાવી શકાય. આ વર્ગને એક સમયે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક માનવામાં આવતો હતો. દિલ્હીની 12 બેઠકો પર ભારે પ્રભાવ ધરાવતી આપને કોંગ્રેસે પડકારવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસે પોતાની રણનીતિ મુજબ ચૂંટણી પ્રચાર કર્યો.
કોંગ્રેસે પોતાની રણનીતિ મુજબ ચૂંટણી પ્રચાર કર્યો. જેમાં રાહુલ ગાંધીએ દિલ્હીના સીલમપુરમાં પોતાની પહેલી ચૂંટણી રેલી કરીને સ્પષ્ટ સંદેશ પણ આપ્યો. ઉત્તર પૂર્વ ક્ષેત્રની આ બેઠક પર 57 ટકા મુસ્લિમ મતદારો છે અને તે અગાઉ કોંગ્રેસનો ગઢ હતો. જોકે, 2015 અને 2020 ની બંને ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ અહીં જીત મેળવી હતી. સીલમપુરમાં આપના ચૌધરી ઝુબૈર અહેમદ કોંગ્રેસના ઉમેદવાર અબ્દુલ રહેમાન સામે ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય અબ્દુલ રહેમાન છે જેઓ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા.
રાહુલ ગાંધીની રેલીને ‘જય ભીમ જય સંવિધાન’ નામ આપવામાં આવ્યું
દિલ્હીમાં રાહુલ ગાંધીની રેલીને ‘જય ભીમ જય સંવિધાન’ નામ આપવામાં આવ્યું હતું, જેના દ્વારા પાર્ટીએ દલિત વોટ બેંકમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી બેઠકો પર પણ કોંગ્રેસ સતત આપની મુખ્ય હરીફ તરીકે ઉભરી આવી છે. આમાં મતિયા મહેલ, બલ્લીમારન (50 ટકા ), ઓખલા (52 ટકા) અને ચાંદની ચોક (30 ટકા) જેવી બેઠકોનો સમાવેશ થાય છે. જ્યાં 60 ટકા મુસ્લિમ મતદારો છે. કોંગ્રેસ સુલતાનપુરી અને સીમાપુરી જેવી અનામત બેઠકો પર સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.
રાહુલ ગાંધીએ અરવિંદ કેજરીવાલ પર તીવ્ર પ્રહારો કર્યા
કોંગ્રેસ દિલ્હીની બહારની બેઠકો જેમ કે બાદલી, સુલતાનપુર માજરા, બાબરપુર અને મુસ્તફાબાદમાં મજબૂત રીતે ચૂંટણી લડી રહી છે. આ બેઠકો પર સ્થળાંતરિત મજૂરો, મુસ્લિમ અને દલિત મતદારોનો ઘણો પ્રભાવ છે. જેના લીધે આ બેઠકો માટેના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ પર તીવ્ર પ્રહારો કર્યા.
કોંગ્રેસ દલિત-મુસ્લિમ મતદારોમાં પોતાના માટે તક શોધી રહી છે
આમ આદમી પાર્ટીના ઉદય સાથે દિલ્હીમાં કોંગ્રેસનો મત હિસ્સો ઘટતો રહ્યો. વર્ષ 2015માં 54.3 ટકા અને વર્ષ 20220 માં 53.5 ટકા સાથે આપ સતત બે ચૂંટણીઓમાં 50 ટકાથી વધુ મત મેળવ્યા છે. પરંતુ આ વખતે, સત્તાધારી આપ સામે સત્તા વિરોધી લહેર અને ભ્રષ્ટાચારના આરોપોના વાતાવરણમાં કોંગ્રેસ દલિત-મુસ્લિમ મતદારોમાં પોતાના માટે તક શોધી રહી છે. આંકડા દર્શાવે છે કે કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી દિલ્હીમાં સત્તાની બહાર છે, છતાં તેની પાસે હજુ પણ તેની મુખ્ય મત બેંક સુધી પહોંચ છે અને પાર્ટી વર્તમાન ચૂંટણીઓમાં આ સમર્થન મેળવવા માંગે છે.