વિધાનસભા ચૂંટણીમાં થયેલું મતદાન ‘કૌભાંડ’, ફડણવીસ સરકાર નિષ્પક્ષ રીતે ચૂંટાઈ નથી: સંજય રાઉત
નાશિક: શિવસેના (યુબીટી)ના નેતાએ સોમવારે નવેમ્બરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘છેલ્લા બે કલાકમાં મતદાનમાં અચાનક વધારો’ થયો હોવાનો ઉલ્લેખ કરતાં હાલની સરકાર નિષ્પક્ષ રીતે જીતી ન હોવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો, 288 સભ્યોની વિધાનસભામાં 230 બેઠકો જીતી હતી, જ્યારે શિવસેના (યુબીટી)ને ફક્ત 20 બેઠકો પર વિજય મળ્યો હતો.
આ પણ વાંચો: ભાજપમાં ઘણા લોકો સેના (યુબીટી) સાથે ગઠબંધન ઈચ્છે છે: સંજય રાઉતે કર્યો મોટો દાવો
‘આ સરકાર નિષ્પક્ષ રીતે ચૂંટાઈ નથી. છેલ્લા બે કલાકમાં મતદાનમાં અચાનક વધારો એક કૌભાંડ છે. ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) આ અંગે યોગ્ય જવાબ આપી શકતું નથી. 76 લાખ મતોનો વધારો થયો છે, જે 150 બેઠકો પર 20000-25000 મતો અથવા બૂથદીઠ 100-150 મતો થાય છે,’ એમ રાઉતે કહ્યું હતું.
રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના મુખ્ય રણનીતિકાર અમિત શાહના નિર્દેશો પર કામ કરી રહી છે.
‘તે ભાજપ દ્વારા બનાવવામાં આવેલો પક્ષ છે. હું સ્પષ્ટપણે કહી રહ્યો છું કે શિવસેના ભવિષ્યમાં એક રહેશે નહીં. શિવસેનાના લગભગ 20 વિધાનસભ્યો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપની નજીક છે,’ એવો આરોપ તેમણે લગાવ્યો હતો.
રાઉતે એમ પણ કહ્યું હતું કે, દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જીતશે, જેના માટે મતદાન પાંચમી ફેબ્રુઆરીએ થશે, જ્યારે પરિણામો આઠમી ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે.