ઇન્કમ ટેક્સ બાદ હવે ટોલ ટેક્સમાં રાહત આપવાની સરકારની વિચારણાઃ નીતિન ગડકરીએ કરી મોટી વાત
નવી દિલ્હી: મધ્યમ વર્ગને ઇન્કમ ટેક્સમાંથી રાહત આપ્યા બાદ હવે સરકાર નેશનલ હાઇવે પર મુસાફરોને રાહત આપવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન મંત્રાલય રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરોને રાહત આપવા માટે એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહ્યું છે. ગડકરીએ એમ પણ કહ્યું કે હવે ભારતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકાની સમકક્ષ છે.
એક સમાન ટોલ નીતિ પર કામ
સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં, તેમને ઊંચા ટોલ ચાર્જ અને ખરાબ રસ્તાઓની ફરિયાદોને લઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓમાં વધી રહેલા અસંતોષ વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે “અમે એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહ્યા છીએ. આનાથી મુસાફરોને પડતી સમસ્યાઓનું નિરાકરણ આવશે.” જોકે, તેમણે આ નીતિ વિશે વધુ વિગતો નહોતી આપી.
નેશનલ હાઇવે પર સૌથી વધુ ખાનગી કારનું પરિવહન
નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય સોશિયલ મીડિયા પર મુસાફરો દ્વારા કરવામાં આવતી ફરિયાદોને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે અને સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. હાલમાં, રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ખાનગી કારના પરિવહનનું પ્રમાણ લગભગ 60 ટકા છે, પરંતુ આ વાહનોમાંથી ટોલ આવકનો હિસ્સો માંડ 20-26 ટકા છે.
ટોલ ટેક્સની આવકમાં વધારો
છેલ્લા 10 વર્ષોમાં વધુને વધુ વિભાગો પર ટોલ વસૂલાતના ભાગમાં સમાવેશ થયા છે. આથી ટોલ ટેક્સમાં વધારો થયો છે. જેના કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળે છે. 2023-24માં ભારતમાં કુલ ટોલ વસૂલાત રૂ. 64,809.86 કરોડ પર પહોંચી ગઈ, જે પાછલા વર્ષ કરતાં 35 ટકા વધુ છે. વર્ષ 2019-20 માં કલેક્શન 27,503 કરોડ રૂપિયા હતું.