કેન્સર માટે સરકારની યોજના બની આધાર; 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
ગાંધીનગર: આજના સમયમાં કેન્સરની બીમારી આરોગ્ય ક્ષેત્ર માટે એક મોટો પડકાર બની ગઈ છે. તેની જાગૃતિ માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ખૂબ જ મહત્વની સાબિત થઈ રહી છે. કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે.
આ પણ વાંચો: કેન્સરની દવા સસ્તી થશે, Gig Workers માટે થઈ આ જાહેરાત
6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને સારવાર
કેન્દ્ર સરકારની આ યોજનાથી કેન્સરના દર્દીઓને પણ ખૂબ જ લાભ મળ્યો છે. ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળી રહેલી સારવાર અને નિદાન વિશે વાત કરીએ તો PMJAY-MA અંતર્ગત છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને નિ:શુલ્ક સારવાર મળી છે. આ દર્દીઓના ઇલાજ માટે રાજ્ય સરકારે છેલ્લા 6 વર્ષમાં ₹2,855 કરોડથી વધુની રકમની પૂર્વ મંજૂરી આપી છે.
ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મહત્વપૂર્ણ ભૂમિકા
ગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) રાજ્યમાં કેન્સરની સારવાર અને સંભાળમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સંસ્થા કેન્સરના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે. વર્ષ 2024માં GCRIએ કેન્સરના 25,956 કેસોમાં સારવાર પૂરી પાડી છે. જેમાં ગુજરાતમાંથી 17,107 કેસ, અન્ય રાજ્યોના 8,843 કેસ, જેમાં ખાસ કરીને મધ્યપ્રદેશથી 4331, રાજસ્થાનથી 2726 અને ઉત્તરપ્રદેશથી 1043, બાકીના અન્ય રાજ્યોના અને 6 કેન્સરના કેસ આંતરરાષ્ટ્રીય કેસ છે.
કેન્સર જાગૃતિ અભિયાન
આટલું જ નહિ, કેન્સરના દર્દીઓની સારવાર સિવાય GCRI કેન્સર જાગૃતિ અભિયાન પણ ચલાવે છે. વર્ષ 2024માં GCRIએ 78 કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કર્યા હતા, જેનો લાભ 7700 લોકોએ મેળવ્યો હતો. આવી જ રીતે 22 જાગરૂકતા લેક્ચર્સ પણ આયોજિત કર્યા, જેનો લાભ 4550 લોકોએ મેળવ્યો હતો. GCRIએ 41 રક્તદાન શિબિરોનું પણ આયોજન કર્યું હતું.
35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના
ગુજરાતના તમામ જિલ્લાઓમાં 35 ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો જિલ્લા હોસ્પિટલોમાં જરૂરી કીમોથેરાપી સારવાર પૂરી પાડે છે. GCRI અમદાવાદ તેમજ સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતેના તેમના અન્ય 3 સેટેલાઇટ કેન્દ્રોના સહયોગથી જિલ્લા હોસ્પિટલોમાં સ્થિત ડે કેર કીમોથેરાપી કેન્દ્રો જરૂરી સારવાર સેવાઓ, ટેલિ-કન્સલ્ટન્સી સેવાઓ અને જરૂરી દવાઓ પૂરી પાડે છે. વર્ષ 2024 સુધીમાં આ તમામ ડે કેર કીમોથેરાપી કેન્દ્રો પર 71,000થી વધુ દર્દીઓએ 2 લાખ 3 હજારથી વધુ કીમોથેરાપી સેશન્સ (cycles) લીધા છે.