વર્ષા બંગલો, કાળો જાદુ અને લીંબુની ટોપલી..મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધાનું ‘રાજકારણ’
વર્ષા બંગલામાં જે બન્યું અથવા બન્યું છે તે મહારાષ્ટ્રના લોકો માટે ચિંતા અને સંશોધનનો વિષય છે: સંજય રાઉત
મુંબઈ: મહારાષ્ટ્રમાં હાલમાં અંધશ્રદ્ધાનું રાજકારણ જોર પકડી રહ્યું છે. સંજય રાઉત દ્વારા આપવામાં આવેલા નિવેદન અને રામદાસ કદમના વળતા હુમલાએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. સંજય રાઉતે કેટલાક પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા, શું રાજ્યમાં નવી સરકાર સત્તામાં આવ્યાના 2 મહિના પછી પણ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વર્ષા બંગલામાં રહેવા ગયા છે? રામદાસ કદમે આનો જવાબ આપ્યો હતો.
રામદાસ કદમે કહ્યું કે જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાનપદ છોડીને વર્ષા બંગલો છોડીને ગયા, ત્યારે એકનાથ શિદેએ કહ્યું હતું કે ત્યાં લીંબુ ભરેલી ટોપલી મળી આવી હતી.
રામદાસ કદમે એમ પણ કહ્યું હતું કે રાઉતે ઉદ્ધવ ઠાકરેને પૂછવું જોઈએ કે કાળો જાદુ શું છે, તેઓ કાળા જાદુ વિશે વધુ જાણે છે, કારણ કે સંજય રાઉતને તેનો વધુ અનુભવ છે, તેથી કાળો જાદુ તેમના મગજમાં આવ્યો હશે.
રાઉતે રામદાસ કદમના જવાબની પણ ટીકા કરી. રામદાસ કદમ સ્વામી નથી, તેમને સાંભળવા માટે, કાળા જાદુ વિશે કોણ વાત કરશે… આ અંધશ્રદ્ધા છે. જો કોઈ આવું કહી રહ્યું હોય, તો અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ તેમની વિરુદ્ધ બોલવું જોઈએ. દેવેન્દ્ર ફડણવીસ હજુ સુધી વર્ષા બંગલામાં કેમ નથી જતા?
સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે રામદાસ કદમ કે ભાજપના પ્રવક્તા એકનાથ શિંદેએ આનો જવાબ આપવો જોઈએ.
રાઉતે એમ પણ કહ્યું હતું કે મારો સીધો સાદો સવાલ એ છે કે દેવેન્દ્ર ફડણવીસ અને તેમનો પરિવાર વર્ષા બંગલામાં રહેવાથી કેમ ડરે છે. મેં એમ નહોતું કહ્યું કે ત્યાં મરચાં કે લીંબુ હતા કે નહોતા. વર્ષા બંગલો મુખ્ય પ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે. ફડણવીસ હજુ સુધી બંગલોમાં રહેવા ગયા નથી. રાત્રે ત્યાં સૂવા જતા નથી. તેમને શેનો ડર લાગે છે?
સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે ત્યાં શું થયું અથવા પહેલા શું થયું તે મહારાષ્ટ્રના લોકો માટે ચિંતા અને સંશોધનનો વિષય છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં ઠંડી કે ગરમી કોનું પલડું રહેશે ભારી..જાણો…
દરમિયાન, મુખ્ય પ્રધાનપદ અને વર્ષા બંગલો એક સિદ્ધિ છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેઓ મુખ્ય પ્રધાન તરીકે વર્ષા બંગલામાં રહે. પણ મેં આ પહેલી વાર જોયું છે. દેવેન્દ્ર ફડણવીસે વર્ષોથી વર્ષા બંગલામાં પગ મૂક્યો નથી. અમૃતાભાભી ત્યાં જવા માગતા નથી. શું ચાલી રહ્યું છે? અજાણ્યા ડરને કારણે, મુખ્ય પ્રધાનનું નિવાસસ્થાન બદલવામાં આવી રહ્યું છે. આ બંગલાને તોડીને નવો બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંજય રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે એવી માહિતી છે કે આખો બંગલો તોડી પાડવામાં આવશે બધું ખોદી કાઢવામાં આવશે અને નવેસરથી ત્યાં બંગલો બાંધવામાં આવશે.
જ્યારે પત્રકારોએ એવો સવાલ કર્યો કે ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે બંગલામાં જવામાં કેમ વિલંબ કર્યો હતો? ત્યારે રાઉતે એવો જવાબ આપ્યો હતો કે નવા મુખ્ય પ્રધાન આવે ત્યારે તેઓ તેમની ઈચ્છા પ્રમાણે બંગલાનું રંગરોગાન કરાવતા હોય છે અને પૂજા કરતા હોય છે, આને માટે થોડો સમય આપવો પડે છે.