મહારાષ્ટ્ર સરકાર કૃષિ ક્ષેત્રમાં AIનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે: અજિત પવાર
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોની ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કૃષિ ક્ષેત્રમાં પ્રાયોગિક ધોરણે કૃત્રિમ બુદ્ધિ (AI)નો ઉપયોગ કરવાનું વિચારી રહી છે, એમ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સોમવારે જણાવ્યું હતું.
અહીં એક સમીક્ષા બેઠક દરમિયાન, પવારે રાજ્યના કૃષિ વિભાગને પ્રોજેક્ટની ટેકનિકલ અને આર્થિક શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે સહકાર વિભાગ સાથે મળીને કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રાજ્યના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટે, કૃષિ રાજ્ય પ્રધાન આશિષ જયસ્વાલ, સહકાર રાજ્ય પ્રધાન પંકજ ભોયર, ઓલ ઈન્ડિયા ગ્રેપ ગ્રોઅર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાસ પાટિલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.
પવારે કહ્યું હતું કે, પાક આરોગ્ય, માટીમાં કાર્બનનું સ્તર અને માટીનું આરોગ્ય જેવા મહત્વપૂર્ણ પરિબળોનું એઆઈનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરી શકાય છે, તેથી આપણે ખેડૂતોની ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે કૃષિ ક્ષેત્રમાં પ્રાયોગિક ધોરણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમણે એમ પણ કહ્યું હતું કે પરિવર્તન ખેડૂતો માટે વ્યવહારુ અને આર્થિક રીતે સક્ષમ હોવું જોઈએ.
આ પણ વાંચો: Highway જાતે જ કરશે પોતાનું સમારકામ, વિશ્વાસ ના થતો હોય તો જોઈ લો NHAIનો આ ધાસ્સુ પ્લાન…
અજિત પવારે કહ્યું હતું કે, એઆઈ વિશ્ર્વભરના ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યું છે, અને કૃષિ પાછળ ન રહેવું જોઈએ. આગામી વર્ષોમાં, ખેડૂતો બદલાતા હવામાન, કમોસમી વરસાદ, જીવાતોના હુમલા અને મજૂરોની અછત જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે, તેથી એઆઈ અનિવાર્ય બની રહેશે.
તેમણે કહ્યું કે એઆઈ ઉત્પાદન ખર્ચ ઘટાડીને ઉત્પાદકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ‘આપણે જમીનમાં કાર્બનનું સ્તર માપી શકીશું અને જીવાતો, રોગો અને નીંદણના પ્રકારો પણ ઓળખી શકીશું, જેનાથી ખેડૂતોને તેમના પાક અને જમીન વિશે વિગતવાર સમજ મળશે. આ પ્રગતિઓ વધુ ચોક્કસ ખેતી પદ્ધતિઓ અને સંસાધનોનું બહેતર સંચાલન સુનિશ્ર્ચિત કરશે,’ એમ પવારે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે એઆઈનો ઉપયોગ પુરવઠા શૃંખલામાં વધુ કાર્યક્ષમતા અને એકંદર ખર્ચમાં ઘટાડા તરફ દોરી જશે. તેમણે કહ્યું હતું કે, લણણીની કાર્યક્ષમતામાં સુધારો કરીને, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડીને અને રોગ વ્યવસ્થાપનમાં વધારો કરીને, એઆઈ ખેડૂતોને શ્રમ અને ઇનપુટ ખર્ચ બચાવવામાં મદદ કરશે. કૃષિમાં એઆઈનું એકીકરણ ફક્ત ઉપજમાં સુધારો કરવા માટે નથી, પરંતુ ખેતી માટે વધુ ટકાઉ અને ખર્ચ-અસરકારક અભિગમ સુનિશ્ર્ચિત કરવા માટે પણ છે.