આમચી મુંબઈ

લોન ચૂકવ્યા પછી પણ પજવણી ચાલુ રહેતાં યુવાનનો આપઘાત: એકની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં બનેલી ઘટનામાં 1.80 લાખ રૂપિયાની લોનની સામે 3.30 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં વધુ નાણાંની માગણી સાથે પજવણી ચાલુ રહેતાં યુવાને કથિત આત્મહત્યા કરી હતી. આ પ્રકરણે પોલીસે ત્રણ જણ સામે ગુનો નોંધી એકની ધરપકડ કરી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર મૃતક અમીન શેખે (38) આરોપી પાસેથી 1.80 લાખ રૂપિયાની લોન લીધી હતી. લોનની રકમ સાથે વધારાનું વ્યાજ મળી શેખે 3.30 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તેમ છતાં આરોપી વધુ રૂપિયા ચૂકવવા માટે શેખને કથિત ત્રાસ આપતા હતા અને ધમકી આપતા હતા, એવું ગણેશપુરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: પ્રમાણપત્ર મેળવવા ધક્કા ખાઈને પિતાએ આપઘાત કર્યા બાદ તંત્રની ઉડી ઉંઘ, ગ્રામ પંચાયતમાંથી નીકળશે 67 પ્રમાણપત્ર…

લોન આપનારાના સતતના ત્રાસથી કંટાળેલા શેખે 14 જાન્યુઆરીએ ગણેશપુરી વિસ્તારમાં આવેલા તેના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ પ્રકરણે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી શરૂઆતમાં એડીઆર નોંધ્યો હતો અને શેખની આત્મહત્યા પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી હતી.

જોકે તપાસ દરમિયાન પોલીસને શેખના મોબાઈલ ફોનમાંથી રેકોર્ડ કરેલો એક મેસેજ મળી આવ્યો હતો. મેસેજમાં શેખે પોતાના અંતિમ પગલા ભરવા પાછળ ત્રણ જણ જવાબદાર હોવાનું જણાવ્યું હતું.

પુરાવાને આધારે પોલીસે શુક્રવારે ત્રણ જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં શનિવારે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બેની શોધ ચાલી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button