કચ્છમાં બર્ફીલા ઠારનો ફરી ચમકારોઃ પારો ગગડતા લોકો ઘરમાં પુરાઈ રહ્યા
ભુજ: જમ્મુ-કાશ્મીર અને તેની આસપાસના પહાડો પર તાજેતરમાં થયેલી હિમવર્ષાની અસર હેઠળ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીએ ધીમા પગલે આક્રમણ શરૂ કર્યું છે ત્યારે રણપ્રદેશ કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો આંક ફરી એકવાર સિંગલ ડિજિટ પર સ્થિર થઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે.
એક અઠવાડિયા બાદ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી અચાનક હાવી થયેલી ઠંડીના માર વચ્ચે આજે અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં લઘુતમ ૮.૪ ડિગ્રી સે.જયારે જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ૧૩ ડિગ્રી સે.લઘુતમ તાપમાન નોંધાયું હતું. તેમાં પણ વળી ઉત્તર-પૂર્વ દિશાએથી પ્રતિકલાકે ૧૦ કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ રહેલા પવનોએ ઠંડીની ધાર તેજ બનાવી રહ્યા છે.
ગાંધીધામ-કંડલામાં ઠંડીનું જોર આંશિક વધઘટ સાથે યથાવત્ રહ્યું છે. કંડલા એરપોર્ટ ખાતે આજનું લઘુત્તમ તાપમાન ૧૫ અને કંડલા પોર્ટ ખાતે ૧૬ ડિગ્રી નોંધાયું છે. સતત ઉત્તર દિશાએથી વેગીલા વાયરાઓએ ઠંડીની ધાર વધુ તેજ બનાવતાં બપોરે પણ ઠંડીની ચમક વર્તાઈ રહી છે.
આ પણ વાંચો : ભુજ-દિલ્હી ફલાઈટની શુભ શરૂઆતઃ પ્રથમ દિવસે જ ૯૬ ટકા સિટ બુક
ભુજ,નલિયા સહિતના મોટાભાગના સ્થળોએ સમીસાંજથી શેરી રસ્તાઓ પર ગરમ વસ્ત્રોમાં સજ્જ થયેલા લોકો હાલ નજરે પડી રહ્યા છે.
મોસમ વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ દરમ્યાન વાતાવરણ સૂકું રહેવાની સાથે ઠંડીમાં આંશિક વધારો થવાની આગાહી કરી છે.