આમચી મુંબઈ

ગોરેગામની આગ: વધુ એકનાં મૃત્યુ સાથે મૃત્યુઆંક આઠ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામમાં એસઆરએની જય ભવાની બિલ્ડિંગમાં છ ઑક્ટોબરના લાગેલી ભીષણ આગની દુર્ઘનટમાં વધુ એકનું મોત થતા મૃત્યુઆંક આઠ થઈ ગયો છે. રવિવારે સાંજે 48 વર્ષના સુનિલ ઢેંબરેનું મૃત્યુ થયું હતું.
જય ભવાની બિલ્ડિંગમાં લાગેલી આગમાં 62 રહેવાસીઓ જખમી થયા હતા, જ્યારે સાતના મોત થયા હતા. સુનિલ ઢેંબરેની 19 વર્ષની પુત્રી પ્રેરણાનું આગની દુર્ઘટનાના દિવસે જ મૃત્યુ થયું હતું. આગ લાગી ત્યારે તેમાં જખમી થયેલા સુનિલને જોગેશ્વરીની એચબીટી ટ્રોમા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમને કૂપરમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં પરિવારે તેમને અંધેરીની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે રવિવારે સાંજે તેમનું મૃૃત્યુ થયું હતું.
નોંધનીય છે આગની દુર્ઘટનાના 10 દિવસ બાદ પણ અનેક રહેવાસીઓ હજી પણ ઉન્નત નગર મ્યુનિસિપલ સ્કૂલમાં રોકાયા છે. પાલિકાએ અહીં તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપી હતી.
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ગટર અને પાઈલાઈન તેમ જ ઈમારતની વીજળીનું કામ હજી ચાલી રહ્યું છે. આ કામ પૂરું થયા બાદ રહેવાસીઓ પાછા તેમના ઘરે જઈ શકશે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ મુખ્ય પ્રધાનના આદેશ બાદ તપાસ માટે આઠ સભ્યોની સમિતિની બનાવવામાં આવી છે. જોકે ફાયરબ્રિગેડની પ્રાથમિક તપાસ મુજબ નાયલોન અને પોલિએસ્ટરના કપડાંના ઢગલા સ્ટિલ્ટ ઍરિયામાં સંગ્રહ કરવામાં આવ્યો હતો, તેને કારણે બિલ્ડિંગની બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ ગયો હતો. આ ઘટનાબાદ પાલિકા દ્વારા બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તાર પર રાખવામાં આવેલા કપડાને દૂર કરવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button