રાહુલ ગાંધી શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીનો આગ્રહ રાખે છે? તેલંગણાનો અહેવાલ આપી રહ્યો છે જવાબ
હૈદરાબાદ: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહીત ઘણા વિપક્ષી નેતાઓ ઘણા સમયથી જાતી આધારિત વસ્તી ગણતરી કરાવવા કેન્દ્ર સરકાર પાસે માંગ (Cast Based census) કરી રહ્યા છે. એવામાં તેલંગાણામાં જાતિ આધારે કરવામાં આવેલા સર્વેક્ષણનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રીપોર્ટ અનુસાર મુસ્લિમ લઘુમતી સિવાય, તેલંગાણામાં અન્ય પછાત વર્ગો(OBC)ની વસ્તી 46.25 ટકા છે, જે રાજ્યની કુલ 3.70 કરોડ વસ્તીનો સૌથી મોટો હિસ્સો છે.
અહેવાલ મુજબ રાજ્યમાં OBC પછી અનુસૂચિત જાતિ (17.43 ટકા), અનુસૂચિત જનજાતિ (10.45 ટકા), મુસ્લિમોમાં પછાત વર્ગ (10.08 ટકા) અને અન્ય જાતિઓ (13.31 ટકા) અને મુસ્લિમોમાં પછાત જાતિઓ (2.48 ટકા)ની સંખ્યા છે.
વિધાનસભામાં ચર્ચા થશે:
તેલંગાણાના આયોજન વિભાગે સર્વે હાથ ધર્યો હતો. વિભાગે રવિવારે રાજ્ય નાગરિક પુરવઠા પ્રધાન એન ઉત્તમ કુમાર રેડ્ડીની આગેવાની હેઠળની કેબિનેટ પેટા સમિતિ સમક્ષ અહેવાલ રજુ કર્યો હતો. રેડ્ડીએ કહ્યું કે આ અહેવાલ 4 ફેબ્રુઆરીએ રાજ્ય કેબીનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. તે જ દિવસે તેને વિધાનસભાના સ્પેશીયલ સેશનમાં ચર્ચા માટે મૂકવામાં આવશે.
જાતિઓની સંખ્યા:
સર્વેના અહેવાલ મુજબ રાજ્યમાં અનુસૂચિત જાતિની વસ્તી 61,84,319 છે, અનુસૂચિત જનજાતિ 37,05,929 છે, મુસ્લિમ લઘુમતીઓને બાદ કરતાં પછાત વર્ગો 1,64,09,179 છે. જ્યારે, મુસ્લિમ લઘુમતીમાં, પછાત જાતિઓની વસ્તી 35,76,588 છે, ત્યારે મુસ્લિમો(OC) ની વસ્તી 8,80,424 છે. તેલંગાણા પછાત મુસ્લિમોને પછાત વર્ગ હેઠળ અનામત આપે છે.
નાગરિક પુરવઠા પ્રધાન એન ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ મુસ્લિમ વસ્તીની ટકાવારી 12.56 ટકા છે. રાજ્યમાં કુલ ઘરોની સંખ્યા 1,15,78,457 છે, જ્યારે સર્વે કરાયેલા ઘરોની કુલ સંખ્યા 1,12,15,134 છે.
16 લાખ લોકો બાકાત કેમ રહી ગયા:
રેડ્ડીએ આ અહેવાલને ઐતિહાસિક ગણાવ્યો હતો. આ સર્વેમાં 3,54,77,554 વ્યક્તિઓ (વસ્તીના 96.9 ટકા) ને આવરી લેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે 3.1 ટકા વસ્તી (16 લાખ) સર્વેમાંથી બાકાત રહી ગઈ કારણ કે તેઓ કાં તો તેઓ ગહરે હાજર ન હતા અથવા તેઓએ સર્વેમાં ભાગ લેવામાં રસ દાખવ્યો ન હતો.
આ પણ વાંચો…આવક વેરામાં રાહત બાદ મળશે બીજા ખુશીના સમાચાર! રિઝર્વ બેંક આપી શકે છે ખુશખબર…
ઐતિહાસિક સિદ્ધિ:
ઉત્તમ કુમાર રેડ્ડી કહ્યું કે આ રિપોર્ટ તેલંગાણા સરકાર માટે એક ઐતિહાસિક સિદ્ધિ છે, જે દેશના સામાજિક ઇતિહાસમાં નોંધવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી સમયે વ્યાપક સામાજિક-આર્થિક, રોજગાર, રાજકીય અને જાતિ સર્વેક્ષણ કરવાનું વચન આપ્યું હતું. આ સર્વે 6 નવેમ્બર, 2024 થી શરુ કરવામાં આવ્યો હતો 50 દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીની માંગ:
આ અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં સૌથી વધુ વસ્તી હિંદુ OBC સમુદાયની છે, જયારે પ્રચલિત ઘારણાથી વિરુદ્ધ મુસ્લિમોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. આ અહેવાલ રાહુલ ગાંધીની જાતી આધારે વસ્તી કરાવવાની માંગને આધાર આપે છે. રાહુલ ગાંધીનો દાવો છે કે જાતિ આધારે વસ્તી ગણતરીથી લાભ જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે એ રીતે સામાજિક અને આર્થિક નીતિઓ બનાવી શકાય છે. કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ સ્વીકારશે કે નહીં એ જોવું રહ્યું.