મંત્રાલયમાં સુરક્ષા અને પારદર્શિતા માટે સરકારે લીધો નિર્ણય, FRS સિસ્ટમ કરી લાગુ
મુંબઇઃ મંત્રાલયની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તેમાં પ્રવેશ માટે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેનું હવે તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પાલન કરવાનું ફરજિયાત બન્યું છે. મંત્રાલયમાં હવે પ્રવેશ માટે FRS સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ ટેકનોલોજીને કારણે મંત્રાલયની સુરક્ષામાં વધારો થશે અને સરકારી કામમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે. વહીવટીતંત્રે તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓને આ સિસ્ટમમાં નોંધણી કરાવવાની અપીલ કરી હતી અને રજીસ્ટ્રેશનનું કામ પણ લગભગ પૂર્ણતાને આરે છે.
નોંધનીય છે કે અગાઉની સરકાર દરમિયાન મંત્રાલયમાં પ્રવેશતા મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. આ વધતી ભીડ પર મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નારાજગી વ્યક્ત કરી હતી અને મુલાકાતીઓની વધતી સંખ્યા પર નિયંત્રણ લાવવા માટે જણાવ્યું હતું. તેમના આદેશના અમલીકરણ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ છેલ્લા બે મહિનાથી FRS સિસ્ટમ પર કામ કરી રહ્યું હતું. સુરક્ષા વિભાગના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું આ કે આ સિસ્ટમ સંપૂર્ણપણે લાગુ કરવામાં હજી એકાદ મહિના જેટલો સમય લાગે જશે.
FRS ટેકનોલોજી શું છે?:-
FRS ટેકનોલોજી એ એક એવી ટેકનોલોજી છે જેમાં તમારા ચહેરાને જોઈને, ચેક કરીને બાદમાં જ મંત્રાલયની અંદર પ્રવેશ આપવામાં આવે છે. આ ટેકનોલોજીને મંત્રાલયના સુરક્ષા નિયંત્રણ વિભાગ સાથે જોડવામાં આવી છે, તેથી અધિકારીઓ અને કર્મચારીઓ જે વિભાગમાં કામ કરે છે તે જ વિભાગમાં તેમને એન્ટ્રી કાર્ડ આપવામાં આવ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓને ચહેરાની ઓળખ અને RFID કાર્ડ આધારિત એન્ટ્રી આપવામાં આવે છે. ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી વિભાગ દ્વારા 10,500 અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી આ સિસ્ટમમાં સ્ટોર કરવામાં આવી છે.
આ પણ વાંચો…બિલ્ડર પાસેથી 10 કરોડની ખંડણી માગી:ભૂતપૂર્વ નગરસેવક સહિત ચારની ધરપકડ…
એફઆરએસ સિસ્ટમ શા માટે મહત્વની છે?:-
મંત્રાલયમાં જ્યારે કેબિનેટની બેઠક હોય ત્યારે લગભગ પાંચથી છ હજાર મુલાકાતીઓ પ્રવેશ કરતા હોય છે. મંત્રાલયના કર્મચારીઓ, પત્રકારો, મુલાકાતીઓ વગેરેની ભારે ભીડ રહેતી હોય છે. આ ઉપરાંત કેટલીક વાર નાગરિકો તેમનો વિરોધ દર્શાવવા માટે મંત્રાલયમાં પ્રવેશ કરીને તેની સુરક્ષા જાળમાં કૂદી પડ્યા હોવાના બનાવ પણ બન્યા છે. આ ઉપરાંત કેટલાક મુલાકાતીઓ કંઇ પણ કામ વિના મંત્રાલયના વિવિધ વિભાગોમાં ફરતા પણ જોવા મળ્યા છે. મંત્રાલય આખા મહારાષ્ટ્રના વહીવટનું કેન્દ્ર સ્થાન છે. મંત્રાલય ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળ હોવાથી તેની સુરક્ષા અત્યંત જરૂરી છે, તેથી જ સરકારે મંત્રાલયના આંતરિક સુરક્ષા પ્રોજેક્ટને લાગુ કરવામાં નિર્ણય લીધો છે. આ સુરક્ષા પ્રોજેક્ટને બે તબક્કામાં લાગુ કરવામાં આવી રહ્યો છે. બિનજરૂરી ભીડ કરનારાઓને અંકુશમાં રાખવા માટે આ સિસ્ટમ ઘણી મહત્વની છે.