એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : ચમત્કાર વિના નમસ્કાર નહીં, મધ્યમ વર્ગની ઠંડી તાકાતની જીત…

  • ભરત ભારદ્વાજ

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે અંતે બજેટ રજૂ કરી દીધું અને દેશના બહુમતી વર્ગને ખુશ પણ કરી દીધો. ભાજપ વરસોથી મધ્યમ વર્ગ અને નોકરિયાતોને કરવેરામાં રાહત આપવાના નામે ઉલ્લુ બનાવતો હતો ને બજેટમાં છેતરામણી જાહેરાતો કરીને ઠગતો હતો. આ વખતે પહેલી વાર એવું બન્યું કે, ભાજપે બજેટમાં કોઈ ચાલાકી ના કરી અને આવકવેરામાં કોઈને કલ્પના પણ ના આવે એવી જબરદસ્ત રાહત આપી દીધી.

Also read : મધ્યમ વર્ગ ટેક્સ ટેરરિઝમ નહીં ફ્રોડનો પણ ભોગ બન્યો

મોદી સરકારના બજેટમાં નોકરી કરનારા લોકો માટે આવકવેરા મુક્તિ મર્યાદા સીધી 12 લાખ રૂપિયા કરી દેવાઈ છે અને સ્ટાન્ડર્ડ ડીડક્શન પણ આપી દેતાં અસરકારક રીતે 12.75 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ નહીં લાગે.

આ એક જ જાહેરાત દ્વારા ભાજપે અત્યાર સુધી તેની વફાદાર મતબૅન્ક એવા મધ્યમ વર્ગ સાથે કરેલી તમામ છેતરપિંડીનું પ્રાયશ્ચિત કરી નાખ્યું એમ કહેવું જરા વધારેપડતું છે, પણ ભાજપ અમારા માટે કંઈ નથી કરતો એવો મધ્યમ વર્ગના મનનો ખટકો ચોક્કસ દૂર કરી દીધો છે. ભાજપે 11 વર્ષ પહેલાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા કરવાનું વચન આપેલું, પણ એ પાળ્યું નહોતું. હવે 11 વર્ષ પછી એ વચન પાળીને મધ્યમ વર્ગને રાજીના રેડ કરી દીધો. દેર આયે દુરસ્ત આયે.

નિર્મલા સીતારમણે આવકવેરામાં ન્યુ રિજિમ પસંદ કરનાર માટેના જે સ્લેબ જાહેર કર્યા છે તેમાં 12.75 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર એક પણ રૂપિયો ટૅક્સ ચૂકવવો પડશે નહીં. આ સ્લેબ પ્રમાણે, 4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ નહીં લાગે. 4 થી 8 લાખ સુધીની આવક પર 5 ટકા ઈન્કમ ટૅક્સ લાગશે જ્યારે 8 થી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા ઈન્કમ ટૅક્સ લાગશે.

અલબત્ત દરેક સ્લેબમાં કેન્દ્ર સરકાર જેટલો ટૅક્સ લાગશે એટલું રીબેટ આપવાની છે તેથી 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટૅક્સ નહીં લાગે. લટકામાં 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડીડક્શન પણ મળશે તેથી 12.75 લાખ રૂપિયા સુધીની આવક સંપૂર્ણ કરમુક્ત થઈ જશે.

Also read : નવા ટેક્સ સ્લેબની જાહેરાતની ખુશી નવ દિવસ પણ નહીં ટકે? સરકાર લાવી રહી છે નવો કાયદો

હવે 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટૅક્સ નથી એ તો મોટી રાહત છે જ કેમ કે લગભગ 80 ટકા મધ્યમ વર્ગીય નોકરિયાતોને આ જાહેરાતથી ફાયદો થશે, પણ આવકવેરામાં બીજી પણ રાહતો અપાઈ છે. પગારદાર લોકો માટે 12 લાખથી 16 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા ટૅક્સ લાગશે તેથી 70 હજારનો લાભ થશે. 16 લાખથી 20 લાખ સુધીની આવક પર 20 ટકા ટૅક્સ લાગશે તેથી 80 હજાર રૂપિયાની બચત થશે જ્યારે 24 લાખ રૂપિયાથી વધુની આવક પર જ 30 ટકા ટૅક્સ લાગશે.

આ સિવાય સિનિયર સિટિઝન્સ માટે કરમુક્તિ બમણી કરવામાં આવી, ટીડીએસ મર્યાદા વધારીને રૂ.10 લાખ કરવામાં આવી અને ભાડાંની આવક પર ટીડીએસ મુક્તિ વધારીને રૂા.6 લાખ કરવામાં આવી એ સહિતના લાભ પણ અપાયા જ છે એ જોતાં મધ્યમ વર્ગને ફાયદાકારક બજેટ છે તેમાં મીનમેખ નથી.

ગુજરાતીમાં કહેવત છે કે, ચમત્કાર વિના નમસ્કાર નહીં. મોદી સરકાર મધ્યમ વર્ગના પગોમાં આળોટી ગઈ તેના માટે પણ 2024ની લોકસભાની ચૂંટણીમાં બતાવેલો ચમત્કાર જવાબદાર છે. ભાજપ એમ માનીને જ વર્તતો હતો કે મધ્યમ વર્ગ સંગઠિત નથી તેથી તેને કઈ નહીં આપીએ તોપણ એ કશું કરી લેવાનો નથી તેથી ગરીબો, ખેડૂતો વગેરેને લહાણીઓ થતી પણ મધ્યમ વર્ગને લટકાવી રખાતો હતો.

મધ્યમ વર્ગે તેની સામે કોઈ રીએક્શન આપ્યા વિના લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત ના આપ્યા ને ભાજપ 303 બેઠકો પરથી સીધો 240 બેઠકો પર આવી ગયો પછી ભાજપની નેતાગીરીને ભાન થયું કે, હવે મધ્યમ વર્ગને વધારે ટટળાવીશું તો મધ્યમ વર્ગ આપણને ક્યાંયના નહીં રહેવા દે એટલે જખ મારીને મધ્યમ વર્ગને આવકવેરામાં મોટી રાહત આપી દીધી. આવકવેરામાં મળેલી રાહત મધ્યમ વર્ગની ઠંડી તાકાતની જીત છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટને વિકસિત ભારતનો રોડમેપ ગણાવ્યો છે. તેમના કહેવા પ્રમાણે, આરોગ્ય-શિક્ષણ અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવા અને પ્રક્રિયાઓને સરળ બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. નિર્મલાએ બીજાં પણ ઘણાં કારણો આપ્યાં છે અને એ બધાંની ચર્ચામાં નથી પડતા, પણ મોદી સરકારે આટલાં વરસોમાં પહેલી વાર સારું બજેટ આપ્યું એ સ્વીકારવું પડે. આ બજેટમાં ખેડૂતોથી માંડીને મહિલાઓ સુધીના બધા વર્ગને કંઈક ને કંઈક આપીને ખુશ કરવાનો પ્રયાસ કરાયો છે.

આ બજેટથી વિકસિત ભારત બનશે કે નહીં એ સમય કહેશે, પણ મધ્યમ નોકરિયાત વર્ગ ચોક્કસ ખુશ થશે ને મધ્યમ વર્ગ ખુશ હશે તો દેશનું અર્થતંત્ર પણ સધ્ધર બનશે તેમાં શંકા નથી. આ દેશમાં મધ્યમ વર્ગને આંબા-આંબલી બતાવીને મત ખંખેરવાનો ધંધો વરસોથી ચાલે છે, પણ મધ્યમ વર્ગને લાભ આપવાનો આવે ત્યારે બધા પાણીમાં બેસી જાય છે. ભાજપે પણ અત્યાર સુધી એ જ કર્યું, પણ હવે ભાન થયું પછી સુધારો બતાવ્યો એ સારું છે. જાગ્યા ત્યારથી સવાર.

Also read : Budget 2025: પ્રથમ વખત 50 લાખ કરોડથી વધુનું બજેટ; જાણો કયા મંત્રાલયને મળ્યું કેટલું બજેટ?

આ પગલાંના કારણે ભાજપને તો રાજકીય ફાયદો થશે જ, પણ દેશના અર્થતંત્રને પણ ફાયદો થશે. મધ્યમ વર્ગ રૂપિયા દબાવી રાખવામાં માનતો નથી પણ રૂપિયા ખર્ચવામાં માને છે. ભારતમાં સૌથી મોટું બજાર જ મધ્યમ વર્ગના લોકોનું છે, પણ એ બજાર જ ઠપ્પ થઈ રહ્યું હતું ને તેનું કારણ મોદી સરકારની મધ્યમ વર્ગને દબાવવાની ને ખંખેરવાની નીતિ હતી.

મધ્યમ વર્ગની ઇચ્છાઓ બહુ મોટી છે, પણ બેફામ મોંઘવારી અને ભારે કરબોજના ભારના કારણે ખર્ચવા માટે નાણાં જ બચતાં નહોતાં. હવે કરબોજ ઘટશે તેથી નાણાં બચશે એટલો તેનો હાથ થોડોક છૂટો થશે. મધ્યમ વર્ગ નાની નાની લક્ઝરી પાછળ કે પછી બચતમાં રૂપિયા નાખતો હોય છે તેથી સરકારે આપેલી રાહતનો રૂપિયો પણ અર્થતંત્રમાં ફરતો થશે તેથી દેશના અર્થતંત્રને ફાયદો જ થશે.

Also read : Budget 2025: અબજોપતિઓની લોનમાફી રદ કરવાના પ્રસ્તાવમાં સ્થાન ન મળતાં નિરાશ: અરવિંદ કેજરીવાલ

મોદી સરકારે કસ્ટમ્સ ડ્યુટીમાં કરેલા ફેરફારના કારણે મોબાઇલ ફોન અને ઇ-કાર સહિતની ઘણી ચીજો સસ્તી થવાની છે. ખરીદનારો ગ્રાહક જ ના હોય તો આ બધું સસ્તું કરવાનો મતલબ નહોતો, પણ મધ્યમ વર્ગના હાથમાં રૂપિયા આપીને સરકારે ગ્રાહકો પણ ઊભા કરી દીધા તેથી દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન વધશે, રોજગારી વધશે ને સરવાળે રૂપિયો ફરતો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button