આમચી મુંબઈ

ગરબાના બનાવટી પાસ બનાવી વેચનારા ચાર જણ પકડાયા: 1000 પાસ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોરીવલીમાં આયોજિત ગરબાના બનાવટી પાસ બનાવીને વેચનારા ચાર જણને પોલીસે પકડી પાડ્યા હતા. વેબસિરીઝ જોઈને છેતરપિંડીની યુક્તિ સૂઝી હોવાનો દાવો મુખ્ય આરોપીએ પોલીસ પૂછપરછમાં કર્યો હતો.
એમએચબી કોલોની પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ કરણ અજય શાહ (29), દર્શન પ્રવીણ ગોહિલ (24), પરેશ સુરેશ નેવરેકર (35) અને કવિશ ભાલચંદ્ર પાટીલ (24) તરીકે થઈ હતી. આરોપીઓ પાસેથી ગરબા આયોજનના 1000 પાસ, 1000 હોલોગ્રામ સ્ટિકર, લૅપટોપ, પ્રિન્ટર સહિતનાં અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યાં હતાં.
રવિવારથી શરૂ થયેલા નવરાત્રોત્સવમાં ખેલૈયાઓમાં ગરબાના પાસની ખાસ્સી ડિમાન્ડ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી વિરારમાં રહેતા મુખ્ય આરોપી એવા ગ્રાફિક ડિઝાઈનર કરણ શાહે બનાવટી પાસ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. એક વેબ સિરીઝનો એપિસોડ જોઈને તેને આવું કરવાની પ્રેરણા મળી હતી, એવું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
સસ્તી કિંમતમાં પાસ આપવાની લાલચે ખેલૈયાઓને બનાવટી પાસ વેચવામાં આવ્યા હતા. અમુક ગરબારસિકોને શંકા જતાં પાસ બાબતે આયોજકને ફરિયાદ કરી હતી. ચકાસણી કરતાં પાસ બનાવટી હોવાનું જણાયું હતું. આ બાબતે એમએચબી કોલોની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સોમવારે વિરાર, બોરીવલી અને મલાડ સ્થિત નિવાસસ્થાનેથી ચારેય આરોપીને તાબામાં લીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button