શાકંભરી માતાનો પ્રાકટ્યોત્સવ ને મહિમા
શિવ રહસ્ય – ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
ફરી સ્વર્ગ તેના રાજા વગર નિરસ થઈ જાય છે. ભગવાન શિવની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્ર માનસરોવરમાં એક મોટા કમળની નાળમાં સમાઈ શકે તેટલું શરીર કૃષ કરી નાળમાં બેસી આરાધના કરે છે. દેવરાજ ઇન્દ્રની આરાધનાનો સ્વર વૈકુંઠલોક અને બ્રહ્મલોક સુધી પહોંચતાં માતા સરસ્વતી, બ્રહ્મદેવ, માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ કૈલાસ પહોંચે છે.
બ્રહ્મદેવ ભગવાન શિવને કહે છે, અહીંથી અમારા લોક સુધી દેવરાજ ઇન્દ્રની આરાધનાનો સ્વર ગૂંજતા અમે આપની વિનંતી કરીએ છીએ કે દેવરાજ ઇન્દ્રને વરદાન આપી તેમની કુરૂપતા દૂર કરો, જેથી તેઓ ફરી સ્વર્ગની ગાદી સંભાળી શકે.' ભગવાન શિવ તેમની સાથે માનસરોવર પહોંચે છે અને દેવરાજ ઇન્દ્રને કહે છે,
દેવરાજ ઇન્દ્ર આંખ ખોલો, જુઓ સ્વર્ગ તમારી આગેવાનીની પ્રતિક્ષા કરી રહ્યું છે.’ કુરૂપતા દૂર થતાં દેવરાજ ઇન્દ્ર ત્રિદેવ અને દેવીઓના આશિર્વાદ લઈ સ્વર્ગલોક તરફ પ્રયાણ કરે છે. એક દિવસ પૃથ્વીલોકથી `ઓમ બ્રહ્મદેવતાય નમ:’નો સ્વર બ્રહ્મલોક, સ્વર્ગલોક અને વૈકુંઠલોક સુધી પહોંચવા માંડે છે.
બ્રહ્મદેવનું વરદાન મળતાં જ દુર્ગમાસુર ગેલમાં આવી જાય છે અને પૃથ્વીવાસીઓ પર અત્યાચાર કરવાની શરૂઆત કરે છે. ત્યારબાદ દુર્ગમાસુર બળથી ચારેય વેદનો સ્વામી બની ગયો. વેદો અને વૈદિક ક્રિયાઓ નષ્ટ થવા લાગતાં બ્રાહ્મણો અને દેવતાઓ દુરાચારી થઈ ગયા. કોઈ જગ્યાએ ન તો દાન દેવાય છે, નથી તો અત્યંત ઉગ્ર તપ થતું. ન યજ્ઞ થતા હતા કે ન હોમ-હવન. આનું પરિણામ એ આવ્યું કે પૃથ્વી પર ઘણા વરસો સુધી વરસાદ જ ન પડયો. બધાને ભૂખ-તરસનું કષ્ટ સતાવવા લાગ્યું. કૂવા, વાવડી, સરોવર, નદીઓ અને સમુદ્રો પણ જળરહિત થઈ સુકાઈ ગયાં.
અસુર દુર્ગમના પ્રકોપથી નદીઓ અને સમુદ્રો જળરહિત થઈ જતાં સંસારના સમસ્ત વૃક્ષ અને લતા સુકાઈ ગયાં, આનાથી પૃથ્વીવાસીઓનાં ચિત્તમાં દીનતા ઊભરાઈ આવી. સમસ્ત મનુષ્યોના મહાન દુ:ખને જોઈ સપ્તર્ષિ દેવરાજ ઇન્દ્ર સમક્ષ પધારે છે.
ઋષિ વશિષ્ઠ: `દેવરાજ ઇન્દ્ર તમે સ્વર્ગના રાજા છો, પૃથ્વીવાસીઓની દીનતા જોઈ તેમની દયા આવી રહી છે. તમારે આગેવાની લઈ દુર્ગમાસુરનો વધ કરવો જોઈએ.’
દેવરાજ ઇન્દ્ર: હું પણ કંઈક કરવાનો વિચાર કરી રહ્યો છું, પણ બ્રહ્મદેવનું વરદાન મને કંઈ કરવા દેતું નથી, અસુર દુર્ગમને વરદાન છે કે, કોઈપણ દેવતા તેમનાં અસ્ત્ર કે શસ્ત્રથી તેનો વધ નહીં કરી શકે. આવાં વરદાન બાદ આપણે યુદ્ધ કરતાં હારનો જ સામનો કરવો પડશે. તમે સપ્તર્ષિ જે આજ્ઞા આપો તે પ્રમાણે સમસ્ત દેવગણ કરવા તૈયાર છે.' ઋષિ વશિષ્ઠ:
આનો ઉપાય મને એ લાગી રહ્યો છે કે આપણે વરદાન આપનારા બ્રહ્મદેવની શરણે જ જવું જોઈએ તેઓ જ અસુર દુર્ગમને કઈ રીતે દંડિત કરવો તે જણાવી શકે.’
સપ્તર્ષિ, દેવરાજ ઇન્દ્ર સહિત સમસ્ત દેવગણ બ્રહ્મલોક પહોંચે છે.
ઋષિ વશિષ્ઠ: `હે પરમપિતા સૃષ્ટિ રચયિતા બ્રહ્માજી તમારી સૃષ્ટિને ગ્રહણ લાગી ગયું છે, પૃથ્વી પર ઘણા વરસોથી વરસાદ જ પડયો નથી. બધાને ભૂખ-તરસનું કષ્ટ સતાવવા લાગ્યું. કૂવા, વાવડી, સરોવર, નદીઓ અને સમુદ્રો પણ જળરહિત થઈ ગયાં છે. સંસારના સમસ્ત વૃક્ષ અને લતા સુકાઈ ગયાં, આવી પૃથ્વીવાસીઓની દીનતા જોઈ તમને તેમની દયા નથી આવતી. સંસારને દુર્ગમાસુર નામના લાગેલા ગ્રહણને કઈ રીતે દૂર કરી શકાય.’
બ્રહ્મદેવ: ચતુર દુર્ગમે વરદાન માગતી વખતે એવું વરદાન માગ્યું છે કે કોઈ દેવતા એમનાં અસ્ત્ર કે શસ્ત્રથી તેનો વધ કરી શકે નહીં. હવે આપણી પાસે એક જ માર્ગ છે કે આપણે મહેશ્વરી મહામાયા માતા પાર્વતીના શરણે જવું જોઈએ.' બ્રહ્મદેવ સહિત સમસ્ત દેવગણ કૈલાસ પહોંચે છે. બ્રહ્મદેવ:
હે મહેશ્વરી તમારી કૃપાદૃષ્ટિ સંસારવાસીઓ પર પાડો, તેમની રક્ષા કરો, દુર્ગમાસુરના પ્રકોપથી સમસ્ત સંસારના પ્રાણીઓ નષ્ટ થઈ જશે, હે મમતામયી તમે જેવી રીતે દૈત્ય શુંભ-નિશુંભ, ચંડ-મુંડ, રક્તબીજ, ધૂમ્રલોચન, મધુ, કૈટભ તેમજ મહિષાસુરનો વધ કર્યો તેમ દુર્ગમાસુરનો શીઘ્ર સંહાર કરો. સંસારના માનવરૂપી બાળકોથી તો ડગલે ને પગલે અપરાધ થતા જ રહે છે, કેવળ માતા સિવાય સંસારમાં બીજું કોણ છે જે અપરાધને સહન કરતું હોય, દેવતાઓ અને સંસારવાસીઓ પર જ્યારે દુ:ખ આવે છે ત્યારે તમે જ અવતાર લઈને લોકોને સુખી કરો છો.’
માતા પાર્વતી: `બ્રહ્મદેવ તમે પરમપિતા છો, તમારા હૃદયમાં સંસારવાસીઓના દુ:ખની ગ્લાની હું પણ અનુભવું છે, તમારી ઇચ્છા મુજબ હું જરૂર અવતાર લઇશ.’
દેવતાઓની પ્રાર્થના સાંભળીને મહેશ્વરી માતા પાર્વતીએ એ સમયે પોતાના અનંત નેત્રોથી યુક્તરૂપનું દર્શન કરાવ્યું. એમનું મુખારવિંદ પ્રસન્નતાથી ખીલી ગયું. એમના ચાર હાથમાં ધનુષ, બાણ, કમળ તથા વિવિધ પ્રકારનાં ફળ-મૂળ હતાં. એ સમયે સંસારવાસીઓના કષ્ટ જોઈને માતા પાર્વતીના નેત્રોમાંથી કરુણાનાં આંસુ છલકાઈ
આવ્યાં.
માતા વ્યાકુળ થઈને લગાતાર આઠ દિવસ અને આઠ રાત રડતાં રહ્યાં. તેમના નેત્રોથી અશ્રુજલની હજારો ધારાઓ પ્રવાહિત થઈ, માતાના અશ્રુજલની ધારાઓથી સંસારવાસીઓ તૃપ્ત થઈ ગયા. એ ધારાઓથી સમસ્ત સંસારના કૂવા, વાવડી, સરોવર, નદીઓ અને સમુદ્રો અગાધ જળથી ભરાઈ ગયા. સંસારના સમસ્ત વૃક્ષ અને લતા ફરી લહેરાવા લાગી. ફરી પૃથ્વી પર શાક, ફળ, મૂળ અને ઔષધિઓના અંકુર ઉત્પન્ન થવા લાગ્યા. મહેશ્વરી માતા પાર્વતી શુદ્ધ હૃદયવાળા મહાત્મા પુરુષ અને સ્ત્રીઓને પોતાના હાથમાં રાખેલા ફળ વહેંચવા લાગ્યાં. એમણે ગાયોને સુંદર ઘાસ અને બીજા પ્રાણીઓ માટે યથાયોગ્ય ભોજન પ્રસ્તુત કર્યાં. દેવતા બ્રાહ્મણ અને મનુષ્યો સહિત સંપૂર્ણ પ્રાણીઓ સંતુષ્ટ થઈ ગયા.
મહેશ્વરી માતા પાર્વતી આઠ દિવસ અને આઠ રાત રડતાં રહ્યાં તે દિવસો એટલે પૌષ સુદ આઠમથી પૌષ સુદ પૂનમ. ત્યારથી સંસારવાસી દેવી ભક્તો માતાને શાકંભરી માતા અને આ આઠ દિવસને પૌષી શાકંભરી નવરાત્રિ તરીકે ઓળખે છે. આ પૌષી શાકંભરી નવરાત્રિના આઠ દિવસ દેવિ ભક્તો માતા શક્તિની ઉપાસના, ઉપવાસઅને વ્રત કરે છે. (ક્રમશ:)