આમચી મુંબઈ

પાલિકાનું ઓક્સિજન પુરવઠા કૌભાંડ: આયકર વિભાગના મુંબઇમાં વિવિધ જગ્યાએ દરોડા

મુંબઈ: મહામારી દરમિયાન મુખ્યત્વે પ્રાણવાયુ (ઓક્સિજન)નો પુરવઠો ઊંચા દરથી કરવાના મુંબઈ મહાનગરપાલિકાના કોવિડ કૌભાંડ સંદર્ભે આયકર વિભાગ (ઈન્ક્મ ટેક્સ – આઇટી ડિપાર્ટમેન્ટ)ની તપાસકર્તા શાખા દ્વારા મુંબઈમાં વિવિધ ઠેકાણે તપાસ કરવામાં આવી રહી છે. આઈટી અધિકારીઓએ તપાસકાર્યમાં કોન્ટે્રક્ટરોની જગ્યાઓને પણ આવરી લીધી હતી. મહામારી દરમિયાન પ્રાણવાયુ મેળવવા પાલિકાએ કોન્ટે્રક્ટરને 140 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા, પણ એ રકમના અડધા કરતા ઓછા પૈસા પુરવઠા માટે વાપરવામાં આવ્યા હોવાનો અને બાકીના પૈસા ગેરવલ્લે થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા કોવિડ કૌભાંડ સંદર્ભે મની લોન્ડરિગ અંગે પ્રાણવાયુ પુરવઠાના કોન્ટે્રક્ટર હાઇવે કન્સ્ટ્રક્શનના રોમીન છેડાની પૂછપરછ કરવામાં આવી હતી. છેડા લાંબા સમયથી પાલિકા માટે કામ કરે છે અને રાજકીય વગ ધરાવતો કોન્ટે્રક્ટર હોવાનું કહેવાય છે. ભાયખલાસ્થિત પ્રાણીસંગ્રહાલયના સુશોભીકરણના કામ સાથે એ સંકળાયો હતો. મહામારી દરમિયાન પ્રાણવાયુ પુરવઠાની જવાબદારી પાલિકાએ છેડાને સોંપી હતી. એ સમયે શહેરમાં પ્રાણવાયુની તીવ્ર અછત હોવાથી છેડાને હૉસ્પિટલો તેમજ કોવિડ કેન્દ્રોમાં પ્રાણવાયુનો પુરવઠો કરવા માટે જણાવવામાં આવ્યું હતું. છેડાએ આ કામનો સબ કોન્ટે્રક્ટ અન્ય કંપનીને આપ્યો હતો અને એ કંપનીએ પ્રાણવાયુ અને જરૂરી સાધનોની ખરીદી દિલ્હીસ્થિત સપ્લાયર પાસેથી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button