આમચી મુંબઈ

ઍરપોર્ટના પાર્કિંગમાં મર્સિડીઝ કારે અડફેટે લેતાં બે વિદેશી સહિત પાંચ જણ જખમી

બ્રેકને બદલે એક્સિલરેટર પર પગ પડતાં અકસ્માત થયો: ડ્રાઈવરની ધરપકડ

મુંબઈ: મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટના પાર્કિંગ એરિયામાં મર્સિડીઝ કારે અડફેટે લેતાં બે વિદેશી નાગરિક સહિત પાંચ ઘવાયા હતા. કારના ડ્રાઈવરનો પગ ભૂલથી બ્રેકને બદલે એક્સિલરેટર પર પડતાં આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતાં પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

સહાર પોલીસે પકડી પાડેલા આરોપી ડ્રાઈવરની ઓળખ પુરુષોત્તમ ચિંચોલપ્પા દાદાનવરે (34) તરીકે થઈ હતી. નવી મુંબઈમાં રહેતા દાદાનવરે વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: થાણેમાં હિટ ઍન્ડ રનનો કેસ: મર્સિડીઝકારે અડફેટે લેતાં સ્કૂટરસવાર યુવકનું મૃત્યુ

પોલીસના જણાવ્યા મુજબ ઘટના રવિવારની સવારે ઍરપોર્ટના ટર્મિનલ-ટુના પાર્કિંગ એરિયામાં બની હતી. લક્ઝરી કારનો ડ્રાઈવર દાદાનવરે ઍરપોર્ટ પર પ્રવાસીઓને છોડવા આવ્યો હતો.

પોલીસને પ્રથમદર્શી જણાયું હતું કે દાદાનવરેએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવ્યું હતું, જેને કારણે કાર પરથી તેણે કાબૂ ગુમાવ્યો હતો. મર્સિડીઝ કાર તેજગતિથી આગળ વધી ઍરપોર્ટના ગેટ નંબર એક ખાતેના સ્પીડ બ્રેકર પર ચઢી ગઈ હતી.
દરમિયાન કારે બે વિદેશી નાગરિક સહિત પાંચને અડફેટે લીધા હતા. જખમી વિદેશી નાગરિકોને સારવાર માટે નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યારે ઍરપોર્ટના ત્રણ ક્રૂ સભ્યોને કૂપર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ પ્રકરણે સહાર પોલીસ વધુ તપાસ કરી રહી છે.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button