નેશનલ

ગાઝામાં સલામતી શોધતા પેલેસ્ટિનિયનોથી હૉસ્પિટલો ઊભરાઇ

રફાહ: ઘેરાયેલા ગાઝાની હૉસ્પિટલો અને શાળાઓ પેલેસ્ટિનિયનોથી ભરાઇ ગઇ છે અને લોકો આશરો, ખોરાક અને પાણીની શોધમાં વલખા મારતા જોવા મળી રહ્યા છે. દક્ષિણ ઇઝરાયલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ હમાસનો સફાયો કરવાની ઇઝરાયલની સંપૂર્ણ તૈયારી બાદ એક મિલિયનથી વધુ લોકો ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા છે. હમાસનું મોટાભાગનું માળખું શહેરી વિસ્તારોમાં છુપાયેલું છે. પરિણામે અહીં વધુ જાનહાનિ થવાની સંભાવના છે. જોકે ઇઝરાયલે હજુ સુધી આક્રમણનો સમયગાળો જાહેર કર્યો નથી. તમામની નજર ગાઝા અને ઇજિપ્ત વચ્ચેના રફાહ ક્રોસિંગ પર હતી. રફાહને લગભગ એક અઠવાડીયા પહેલા ઇઝરાયલના હવાઇ હુમલાને કારણે બંધ કરી દેવામાં આવ્યું હતું. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું હતું કે, કોઇ યુદ્ધવિરામ નથી, કારણ કે સેંકડો લોકો ક્રોસિંગની પેલેસ્ટિનિયન બાજુએ એકઠા થયા હતા. ખોરાક, પાણી અને દવાનો પુરવઠો ઘટી રહ્યો છે. ગાઝાના આરોગ્ય
મંત્રાલયે જણાવ્યું હતું કે, યુદ્ધ શરૂ થયું ત્યારથી ૨,૬૭૦ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ૯,૬૦૦ ઘાયલ થયા છે. જે ૨૦૧૪ના ગાઝા યુદ્ધ કરતા વધુ છે. જે છ અઠવાડીયા સુધી ચાલ્યું હતું.

૭ ઓક્ટોબરના હમાસના હુમલામાં ૧૪૦૦થી વધુ ઇઝરાયલીઓ મૃત્યુ પામ્યા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. ઇઝરાયલના જણાવ્યા મુજબ ૧૯૭૩ના ઇજિપ્ત અને સીરિયાના સંઘર્ષ પછી ઇઝરાયલ માટે તે સૌથી ઘાતક યુદ્ધ છે. ૬૦૦,૦૦૦થી વધુ લોકોએ ગાઝા સિટી વિસ્તારને અગાઉથી જ ખાલી કરી દીધો છે. ગાઝાની હૉસ્પિટલોમાં આગામી ૨૪ કલાકમાં જનરેટરનું બળતણ સમાપ્ત થવાની શક્યતા છે. જે હજારો દર્દીઓના જીવને જોખમમાં મૂકશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર લોકો સલામતી શોધતા હોવાથી હૉસ્પિટલો ઉભરાઇ રહી છે. તેમજ સામૂહિક વિસ્થાપન અને દૂષિત પાણી અને સ્વચ્છતાના અભાવે રોગચાળો ફાટી નીકળવાના જોખમથી ચિંતિત છીએ. ઉત્તર ગાઝામાં ૪ હૉસ્પિટલ હવે કાર્યરત નથી અને ૨૧ને ખાલી કરવાના ઇઝરાયલનો આદેશ છે. તેમજ અન્ય કારણોસર ગાઝાની ૩૫ હૉસ્પિટલોમાં ૩૫૦૦ દર્દીઓ જોખમમાં છે.

પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની યુએન એજન્સી, જે યુએનઆરડબ્લ્યુએ તરીકે ઓળખાય છે, તે જણાવે છે કે એક મિલિયનથી વધુ લોકો-ગાઝાની લગભગ અડધી વસ્તી-એક અઠવાડિયાની અંદરના ગાળામાં વિસ્થાપિત થયા છે. જેમાંથી અડધા યુએન સંચાલિત શાળાઓ અને અન્ય સુવિધાઓમાં આશ્રય લઇ રહ્યા છે. જ્યારે અન્ય પરિવાર અથવા પાડોશીઓ સાથે રહે છે.

ઇઝરાયલે પાણી પુરવઠામાં કાપ મૂક્યો હોવાથી લોકોને રાશનનું પાણી આપવાની ફરજ પડી રહી છે. લોકોને તેની તમામ જરૂરીયાત પૂરી કરવા માટે દરરોજ માત્ર ૧ લિટર પાણી આપવામાં આવે છે. ઇઝરાયલે કહ્યું છે કે, જ્યાં સુધી હમાસ તમામ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ઘેરો હટાવવામાં આવશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button